ગણદેવી તાલુકાના ગણદેવા ગામના નહેર ફ્ળિયા ખાતેથી શુક્રવાર સવારે મજૂરીકામ અર્થે ટેમ્પોમાં સવાર થઈને નીકળેલા 9 શ્રમજીવીઓ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગણદેવા ગામના હટવાડા ફ્ળિયામાંથી પસાર થતા ટેમ્પોને વીજળીનો જીવંત તાર અડી જતાં 11 કે.વી.ના ભારે વીજકરંટના કારણે ટેમ્પોમાં સવાર 9 શ્રમજીવીઓ પૈકી 3 યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 3 શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે તેમજ ત્રણનો ચમત્કારિક બચાવ થયો હતો. ગણદેવા નહેર ફ્ળિયામાં રહેતા શ્રમજીવીઓ ટેમ્પોમાં સવાર થઈને લાકડાં કાપવાના કામે જવા નીકળ્યા હતાં. પવન અને વરસાદી વાતાવરણ વચ્ચે ગણદેવા - મીણકચ્છ ગામ જતા માર્ગ ઉપર હટવાડા ફ્ળીયામાંથી છોટા હાથી ટેમ્પો નં.GJ-21-W-6707ને ચાલક મયુર રાજુભાઇ હળપતિ હંકારી પસાર થતો હતો. શ્રમજીવીઓ ટેમ્પોમાં ઊભા હતાં. તે વેળા વીજપોલ ઉપર ઈન્સ્યુલેશન પિન (ચિનાઈ માટી જમ્મપ્પર) તૂટી જતા 11 કેવીનો જીવંત વીજતાર નમી ગયો હતો. જે ટેમ્પોના પાછળના ભાગે અડી ગયો હતો. ટેમ્પોમાં અચાનક ભારે કરંટ ઉતરતા જ ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 23થી 35 વર્ષની વયના ત્રણ યુવાનોનાં સ્થળ પર જ મોત થયા હતાં. ટેમ્પોમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખારેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાંથી ગંભીર હાલતમાં એક દર્દીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. જ્યારે અન્ય ત્રણને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સમગ્ર મામલે સોહન ઉર્ફે છોટુ દિનેશભાઈ હળપતિ (રહે. નહેર ફ્ળીયા ગણદેવા)એ ગણદેવી પોલીસને જાણ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો