નવસારીની એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 'સમરસ વિદ્યા સેતુ' અભિયાન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ તરફ્ વાળવામાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ આર્થિક કારણોસર ન અટકે તે માટે રાજ્ય સરકારે સરસ્વતી વિદ્યા સહાય યોજના તેમજ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 'નમો લક્ષ્મી યોજના' અને 'નમો સરસ્વતી યોજના' જેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.

આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું કે, સામાજિક મજબૂરીઓ, પરિવારનું સ્થળાંતર કે સિઝનલ રોજગારીના કારણે અભ્યાસ અધૂરો છોડનાર બાળકોને શોધીને શાળાએ લાવવાનું સરાહનીય કાર્ય કર્મયોગીઓએ કર્યું છે. નવસારી જિલ્લાને 100% સાક્ષરતા તરફ્ લઈ જવા અને ડ્રોપઆઉટ દર શૂન્ય કરવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. પૂરના કારણે અસરગ્રસ્ત થયેલી શાળાઓના પુસ્તકો અને કમ્પ્યૂટર લેબ્સને પૂર્વવત કરવા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા શાળા શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉમદા આશય સાથે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા 4થી 5 મહિનામાં તંત્રના સઘન પ્રયાસોથી નવસારી જિલ્લાના 4,073 ડ્રોપ આઉટ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ આપી અભ્યાસ કરતા કરવામાં આવ્યા છે. શાળા અભ્યાસ ઉપરાંત 1,200થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓને ITI તથા વિવિધ કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો સાથે જોડવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો