નવસારી શહેરના કંસારવાડના નાકે આવેલ જ્વેલર્સના માલિકને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મુકેલ દાગીના છોડાવ્યા બાદ તેમને વેચાણ કરવામાં આવશે તેમ કહી રૂા. 1 લાખ, 35 હજારની રોકડ લઈ ફરાર થઈ ગયેલા આરોપીને નવસારી એલસીબી પોલીસે શહેરના ભેસતખાડા વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી રૂા. 1. 69 લાખ રોકડ અને બાઈક અને મોબાઈલ ફોન મળી રૂા. 2.24 લાખની મત્તા કબજે કરવાની સાથે છ છેતરપિંડીના ભેદ ઉકેલી નાખ્યો હતો.

ગત 14 મી જુલાઈના રોજ નવસારી શહેરના કંસારવાડના નાકે આવેલ ફૈઝ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મોહમદ ફુઝૈન રજાક હારૂન મેમણ ઉવ.20ને એક યુવકે આવીને જણાવ્યું હતું કે, નવસારી ગ્રીડ રોડ ઉપર મુકેલ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં સોનાના દાગીના ગીરવે મુકલા છે. તે છોડાવવા માટે રૂપિયા આપો તો છોડાવેલા દાગીના તમારી દુકાને વેચાણ કરવામાં આવશે તેમ કહી હુસેન નામધારી યુવકે ફુઝૈન મેમણને બાઇક ઉપર બેસાડી પ્રથમ ફુવારા સર્કલ પાસે આવેલ એસબીઆઇના ATMમાં રૂા. 1.35 લાખ જમા કરાવ્યા બાદ તેને ગ્રીડ રોડ ઉપર લઇ આવ્યો હતો. જોકે આ સમયે આરોપીએ જ્વેલર્સ ફુઝૈનને દાગીના છોડાવવા માટે મમ્મીના સહીની જરૂર પડશે તેમ કહી રોડ ઉપર ઉભો રાખી પલાયન થઇ ગયો હતો.

આ ગુનામાં નવસારી એલસીબી ના પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે હુસેન નામનો યુવક ભેંસતખાડા વિસ્તારમાં હોવાની મળેલી બાતમીના આધારે એલસીબી ની ટીમે વોચ ગોઠવી આરોપી હુસૈન યુસુફ્ તૈયબઅલી પારડીવાલા (દાઉદી વ્હોરા) રહે. 3556, ફતેમી હાઉસ, પટેલ કાછીયા સ્ટ્રીટ, દમણી ઝાપા રોડ, કિલ્લા પારડી, તા. પારડી, જિ. વલસાડ. ને ઝડપી પાડી તેની પાસેથી રૂા. 1,69,325 રોકડા તથા મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂા.2,24,325ની મત્તા કબ્જે કરી હતી આ અંગે વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નવસારીના જ્વેલર્સ ખાતે છેતરપિંડી કરવાના ગુનામાં ઝડપાયેલ આરોપી હુસૈન પારડીવાલાએ BBA સુધીનો અભ્યાસ કરેલ છે અને તેને શેરમાર્કેટની લત લાગી હતી. શેરમાર્કેટમાં વારંવાર આર્થિક નુકસાન વેઠવાને કારણે તે વધુ નાણાં મેળવવા માટે સોના-ચાંદીના વેપારીઓને વિશ્વાસમાં લેતો હતો

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો