હળપતિ ગૃહ નિર્માણ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમ (વર્ક ઓર્ડર) વિતરણ કાર્યક્રમ ચીખલીના દિનકર ભવન ખાતે આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ અવસરે મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, નવસારી જિલ્લામાં હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ આશરે 605 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. લાભાર્થીઓને આવાસ નિર્માણ માટે સરકાર દ્વારા રૂ.1,70,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા જે હેતુસર આવાસની સહાય આપવામાં આવે છે, તે હેતુ સિદ્ધ થાય તે માટે લાભાર્થીઓએ મળતી સહાયનો યોગ્ય ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત આવાસનું નિર્માણ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હળપતિ સમાજની નોંધપાત્ર વસ્તી સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વસવાટ કરે છે. સરકાર દ્વારા આદિજાતિ તથા વંચિત વર્ગોના સર્વાંગી વિકાસ માટે વિવિધ આવાસ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સામાજિક સુરક્ષા સહિતની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

આ પ્રસંગે હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરના સેજલબેન મોઢ દ્વારા હળપતિ ગૃહ નિર્માણ યોજના અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે યોજનાના ઉદ્દેશો, લાભાર્થીઓને મળવાપાત્ર સહાય તથા આવાસ નિર્માણ અંગેની પ્રક્રિયા વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. મંત્રી નરેશ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા.

આ અવસરે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અમિતા પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અર્જુનભાઈ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રસ્મિકા પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન, મામલતદાર હિરેનભાઈ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો