ચીખલી તાલુકાના ફડવેલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખપદે આનંદ એસ. દેસાઈની નવમી વખત બિનહરીફ્ વરણી થઈ હતી. ચીખલી તાલુકાના ફડવેલ વિભાગ કેળવણી મંડળની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના વિશાળ પટાંગણમાં યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના સુકાની તરીકે આનંદ એસ. દેસાઈની નવમી વખત પ્રમુખપદે બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી. તેમની સાથે ઉપપ્રમુખપદે હર્ષદ એચ. પટેલ તથા મંત્રીપદે બિપીન એસ. પટેલની પણ બિનહરીફ્ વરણી થતાં સભામાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ ગઈ હતી. સભામાં આગેવાનોએ આનંદ દેસાઈના નેતૃત્વ હેઠળ સંસ્થાએ કરેલા હરણફાળ વિકાસ અને કાયાકલ્પને બિરદાવ્યો હતો. સંસ્થાની પ્રગતિમાં સૌએ આશા વ્યક્ત કરી કે તેમના માર્ગદર્શન હેઠળ સંસ્થા ભવિષ્યમાં પણ શિક્ષણક્ષેત્રે નવી સિદ્ધિઓના સોપાન સર કરતી રહેશે. આ પ્રસંગે ટ્રસ્ટી તરીકે મજીદ મેમણ તથા હરીશ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત ગણદેવી સુગરના ડિરેક્ટર હિતેશ પટેલનું પ્રમુખ આનંદ દેસાઈએ સ્વાગત કર્યું હતું. આમંત્રિત સભ્ય નવનીતભાઈનું અમૃતભાઈ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો