નવસારી જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ, એકલવ્ય કમિટી મંડળ તેમજ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેના રક્ષણ અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા માનસિક તાણ અને ડિપ્રેશનને ગંભીરતાથી લઈને કલેક્ટર મનીષ ગુરવાનીએ શિક્ષણ સંસ્થાઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્દેશો હતા. જેમાં શાળાઓ, કોલેજો તેમજ મેડિકલ કોલેજોમાં પોસ્ટર, બેનર અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી સમયસર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે જિલ્લા કક્ષાએ એક વિશેષ સમિતિની ટીમ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ટીમ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ કામગીરીની સ્થળ તપાસ કરશે. ઉપરાંત વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતોની રક્ષા માટે દરેક સંસ્થામાં કડક એન્ટિ-રેગિંગ સેલ (Anti-Ragging Cell)ની રચના કરાશે. કલેક્ટરે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમની કોઈપણ ફરિયાદ કે સમસ્યાને અત્યંત સંવેદનશીલતાપૂર્વક ઉકેલવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી હતી.
