નેશનલ હાઇવે નંબર-48 પર નવસારીથી સુરત તરફ્ જતા માર્ગ પર રાત્રિના સમયે વેસ્મા ઓવરબ્રિજ ઉતરતા વળાંકમાં એક કારને અકસ્માત નડયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું છે. બ્રિજ ઉતરતા જ આવતા વળાંક, રાત્રિના અંધારા અને પ્રાથમિક સુરક્ષા વ્યવસ્થાના અભાવે સર્જાયેલા આ અકસ્માત બાદ વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં નેશનલ હાઇવે ઓથોરિટી સહિત સંબંધિત તંત્ર સામે ભારે રોષ છે. નવસારી તરફથી સુરત તરફ્ જઈ રહેલી એક કાર રાત્રિના સમયે વેસ્મા ઓવરબ્રિજ પાસે વળાંકમાં અકસ્માતનો ભોગ બની હતી. બ્રિજ પરથી નીચે ઉતરતા સમયે વળાંક આવતો હોવા છતાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ અને ચેતવણી બોર્ડના અભાવે રાત્રિના અંધારામાં ચાલક માટે વળાંકનો યોગ્ય અંદાજ મેળવવો મુશ્કેલ બન્યું હતું. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચતા ચાલકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વેસ્મા ઓવર બ્રિજ ઉતરતા વળાંકમાં અગાઉ પણ અકસ્માતના બનાવો બનતા રહ્યા છે અને અહીં સુરક્ષા માટે જરૂરી પ્રાથમિક વ્યવસ્થાઓનો સ્પષ્ટ અભાવ છે. બ્રિજ પરથી નીચે ઉતરતા સમયે વાહનની ગતિ વધુ હોય છે. તેવા સંજોગોમાં વળાંક આવતો હોવા છતાં પૂરતી ચેતવણી અને માર્ગદર્શન વિના વાહનચાલકો મૂંઝવણમાં મુકાય છે, જેના કારણે અકસ્માતની સ્થિતિ સર્જાય છે. રાત્રિના સમયે આ પટ્ટામાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા ન હોવાથી અંધારામાં વળાંક તેમજ રસ્તાની ધારનો સ્પષ્ટ અંદાજ મેળવવો મુશ્કેલ બને છે, જેનાથી રાત્રે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. બ્રિજ ઉતરતા વળાંકમાં વાહનચાલકોને આગળના વળાંક અને જોખમ અંગે ચેતવતા સ્પષ્ટ દિશાસૂચક બોર્ડ, શેવરોન સાઈન કે રાત્રિમાં ચમકતા રેડિયમ/ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નથી. ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં સંબંધિત વિભાગ દ્વારા વેસ્મા ઓવરબ્રિજ ઉતરતા વળાંકમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ, વળાંકના દિશાસૂચક બોર્ડ, રેડિયમ સ્ટ્રીપ્સ તેમજ જરૂરી લોખંડની ગ્રિલ કે ડિવાઈડરની વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો