ડાંગ જિલ્લાના અતિ સુંદર અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા 'ડોન હિલ સ્ટેશન' ખાતે ચોમાસાની રળિયામણી સિઝનમાં કુદરતી સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ચારેય તરફ પથરાયેલી હરિયાળી, ઉત્તુંગ પહાડો અને ઝાકળછાયા વાતાવરણના કારણે ડોન હિલ સ્ટેશન સહેલાણીઓમાં ભારે લોકપ્રિય બની રહ્યું છે. પ્રતિદિન અહીં સેંકડો પ્રવાસીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ અહીં મુલાકાતીઓ માટે જરૂરી પાયાની જાહેર સુવિધાઓનો ઘોર અભાવ
જોઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને આટલા મોટા પ્રવાસન ધામ પર પૂરતી અને યોગ્ય શૌચાલય તેમજ બાથરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.સ્થળ પર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા બાથરૂમ અને શૌચાલયની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. આ શૌચાલય/બાથરૂમના ઉપરના પતરાના શેડ જ ગાયબ થઈ ગયા છે, જેથી આ સુવિધા તદ્દન બિનઉપયોગી અને ખુલ્લા આકાશ નીચે ફેરવાઈ ગઈ છે.
ચોમાસાની ઋતુમાં વરસાદ વચ્ચે શેડ વિનાના શૌચાલય-બાથરૂમના કારણે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધ પ્રવાસીઓને ભારે અસ્વસ્થતા અને હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રવાસીઓનું કહેવું છે કે એક તરફ તંત્ર દ્વારા ડોન હિલ સ્ટેશનને લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના દાવા કરવામાં આવે છે અને દર વર્ગે મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ આવી પ્રાથમિક જરૂરિયાતોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ એકસૂરે માંગ કરી રહ્યા છે કે સ્થાનિક ગ્રામ પંચાયત, પ્રવાસન સમિતિ અને સંબંધિત વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લેવામાં આવે. બિસ્માર હાલતમાં મુકાયેલા બાથરૂમ અને શૌચાલયનું ત્વરિત સમારકામ કરાવી, નવા શેડ નાખવામાં આવે તેમજ વધારાના ટોયલેટ બ્લોક્સ ઊભા કરી પ્રવાસીઓની સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ ઊઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો