નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને દર ચોમાસામાં નદીઓમાં આવતા વિનાશક પૂરના પ્રકોપથી કાયમી છુટકારો અપાવવા માટે આજે પર્યાવરણપ્રેમીઓ અને જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીને આવેદનપત્ર આપી નદીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેજિંગ કરાવવાની માંગણી કરી હતી.
નવસારી શહેર અને જિલ્લાના પર્યાવરણવાદીઓ તેમજ જાગૃત નાગરિકોએ ચોમાસા દરમિયાન પૂર જેવી કુદરતી આપત્તિઓના કાયમી નિરાકરણ માટે નવસારીની જીવાદોરી સમાન મુખ્ય ત્રણ નદીઓ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓને માત્ર મનસ્વી માપદંડોથી ઊંડી કરવાથી પૂરની સમસ્યા ઉકેલાશે નહીં. આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે વિશેષ ટીમ દ્વારા સંપૂર્ણ હાઇડ્રોલોજિકલ અને હાઇડ્રોલિક સરવે હાથ ધરી નદીની હાલની ઊંડાઈ, પહોળાઈ, તળિયાની સ્થિતિ, જમા થયેલી કાંપ (ગાદ)નું પ્રમાણ, પાણીની વહનક્ષમતા, પૂર દરમિયાન પાણીનું સ્તર તેમજ કુદરતી વહેણમાં નડતા અવરોધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ જ ડ્રેજિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ વખતે વેરાવળ ગામના રાજુભાઈ પટેલે પૂરના તોફાની પાણીના ધોવાણને કારણે કિંમતી જમીન નદીના પ્રવાહમાં ધોવાઈ જવાની ગંભીર સમસ્યા રજૂ કરી હતી. તેમના આ કઠિન અનુભવે પૂર નિયંત્રણના તાકીદના ધોરણે લેવાના થતા પગલાંની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. જિલ્લાના વરિષ્ઠ પર્યાવરણપ્રેમીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારે વરસાદ વખતે નદીઓનું પાણી સહેલાઈથી આગળ વધી શકે તે માટે માત્ર નદીપટ ઊંડો કરવો પૂરતો નથી. આ માટે નદીના ક્રિટિકલ પોઈન્ટ્સ, બોટલનેક્સ, કુદરતી કાંસ, કોતરો અને વરસાદી પાણીના માર્ગોનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવું અનિવાર્ય છે.
