ગણદેવી : ગણદેવી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા ગુરુવાર બપોરે તાલુકા પંચાયત ભવનના સભાખંડમાં પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી. સભામાં એજન્ડા પરનાં ચારેય કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તાલુકા બાળ સુરક્ષા સમિતિની રચના કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત ચોમાસા દરમ્યાન તાલુકાનાં અનેક ગામોમાં સર્જાયેલી ભયાવહ પૂરપરિસ્થિતિ, પૂરગ્રસ્તોને સહાયની ચૂકવણી, નદીઓના સાંકડા બનેલા પટ્ટ અને પાણીના વહેણમાં અવરોધ સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી પર ચર્ચા કરી તેને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ ગત ચોમાસાની ઋતુ દરમ્યાન તાલુકાનાં વિવિધ ગામોમાં સર્જાયેલી ગંભીર પૂરપરિસ્થિતિનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. આ અંગે તાલુકા વિકાસ અધિકારી પિયુગ ગામીતે પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય સમયસર મળી રહે તે માટે જરૂરી વિગતો અને પૂરપીડિતોનો સંપૂર્ણ ડેટા અગાઉથી તૈયાર રાખવા સભ્યોને અનુરોધ કર્યો હતો. જેથી જરૂરિયાતમંદ અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની કામગીરીમાં વિલંબ ન થાય. તાલુકા પંચાયતના સભ્યોએ આ સૂચનને આવકારી જરૂરી માહિતી એકત્રિત કરવામાં પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. દરમ્યાન સભ્ય પ્રિયંકા પટેલે નદીઓ દરિયાને મળે છે તેવા વિસ્તારોમાં નદીના પટ્ટા અત્યંત સાંકડા બની ગયા હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. નદીના કુદરતી વહેણમાં અવરોધ ઊભા થતાં ભારે વરસાદના સમયે આસપાસનાં ગામોમાં પૂરનું જોખમ વધતું હોવાની બાબતે તેમણે તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ પ્રશ્નના જવાબમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મહેશ હળપતિએ જણાવ્યું હતું કે દેવધા ડેમથી દરિયા સુધીના નદીના પટ્ટનું ઉપગ્રહ આધારિત સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. સર્વેક્ષણના આધારે જ્યાં જરૂરી જણાશે ત્યાં નદીના પટ્ટને ઊંડો કરવાની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે કુદરતી કાંસની સફાઈ પણ કરવામાં આવશે. પાણીના વહેણમાં અવરોધ ઊભો કરતાં ગેરકાયદેસર જિંગા તળાવો અને દબાણો સામે પણ કાર્યવાહી કરી અનેક સ્થળોએથી દબાણો દૂર કરવામાં આવ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. સભામાં તાલુકા બાળ સુરક્ષા સમિતિની રચના અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકોના હિત અને સુરક્ષાને લગતી બાબતોમાં જરૂરી સંકલન અને દેખરેખ માટે આ સમિતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે.અંતમાં પ્રમુખ પુષ્પાબેન પટેલે ઉપસ્થિત તમામ સભ્યો અને અધિકારીઓને દિવાળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સભામાં કારોબારી સમિતિના ચેરમેન પાર્થિવ નાયક, સતીગ કટારીયા, મનોજ પટેલ, પ્રતીક પટેલ, સીમા ટંડેલ સહિત તાલુકા પંચાયતના તમામ સભ્યો, વિસ્તરણ અધિકારી વંદના બોરસીવાલા, હિના પટેલ તથા એટીડીઓ કેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
