જલાલપોર તાલુકાના મરોલી પંથકમાં રેલવે તંત્રની ભારે બેદરકારી અને આયોજનના અભાવે સ્થાનિક ખેડૂતો અને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. મરોલી નજીક પોંસરા ગામની હદમાં રેલવે દ્વારા બનાવવામાં આવેલા બે અંડરપાસ છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી એક પણ ટીપું વરસાદ પડયો નથી છતાં બંને અંડરપાસમાં હજુ પણ અંદાજે 6થી 7 ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળે છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે પોંસરા ગામની હદમાં બનેલા આ બે અંડરપાસ પૈકી માત્ર એક જ અંડરપાસના નિર્માણ પાછળ અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાનો મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે. લાખો-કરોડો રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલા આ અંડરપાસનો મુખ્ય હેતુ લોકો અને વાહનચાલકોને સુવિધા પૂરી પાડવાનો હતો. પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે હાલમાં આ બંને અંડરપાસ સંપૂર્ણપણે ઉપયોગવિહોણા બની ગયા છે અને જાણે 'શોભાના ગાંઠિયા' સમાન સાબિત થઈ રહ્યા છે.
