નવસારી જિલ્લામાં હાલમાં જ આવેલા વિનાશક પૂર અને અનરાધાર વરસાદે માત્ર જાનમાલ જ નહીં, પરંતુ અન્નદાતાઓની મહેનત પર પણ પાણી ફેરવી દીધું છે. નદીઓના ઘૂઘવતા પૂરે ખેતરોમાં લહેરાતા પાકને સદંતર નષ્ટ કરી દેતા જગતનો તાત આજે પાયમાલ થઈ ગયો છે. પૂરના પાણી ઓસરતા જ હવે તંત્ર દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સરકારના ચોક્કસ નિયમોને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નવસારી જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે ખેડૂતોના મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો છે. જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને શાકભાજીના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, જે પૂરના પાણીમાં સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કુદરતના આ અનરાધાર કહેરથી તેઓ પાયમાલ થઈ ગયા છે અને શેરડીનું વાવેતરમાં હેક્ટર દીઠ ઓછામાં ઓછો રૂ. 1 લાખ જેટલો માતબર ખર્ચ થાય છે, જે પાણીમાં ડૂબી ગયો છે તેમજ ડાંગરના વાવેતરમાં હેક્ટર દીઠ રૂ. 30થી 35 હજારનો ખર્ચ નિષ્ફ્ળ ગયો છે.

જિલ્લાના ખેડૂતોની મહિનાઓની અથાક મહેનત ઉપરાંત ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાથી ઘરવખરીનું પણ વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે પરિવારનું પોષણ કરવું મુશ્કેલ બન્યું છે. હાલમાં પૂરના પાણી ઓસરવાની સાથે જ જિલ્લા ખેતીવાડી અધિકારીના આદેશથી તંત્ર દ્વારા ગ સર્વેની કામગીરી આરંભી દેવામાં આવી છે જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગામડે-ગામડે જઈને ખેડૂતોના નામની નોંધણી તથા પાક ઢળી જવા કે તણાઈ જવાના સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે. વરસાદ રોકાઈ જવાના ત્રણ દિવસ બાદ પણ

જલાલપોર તાલુકાના તવડી સેજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ 10થી 15 હેક્ટર જેટલા વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી ત્યાં સર્વેની કામગીરી હાલ અટકેલી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 10થી 15 દિવસની અંદર સમગ્ર જિલ્લાનો સર્વે પૂર્ણ કરી દેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જોકે સરકારી ધારાધોરણો મુજબ જે ખેતરોમાં પાકને 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે, ફ્ક્ત તેવા જ કિસ્સાઓમાં વળતર ચૂકવવાપાત્ર બનશે. આ નિયમને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે અતિભારે વરસાદ અને પૂરના કારણે મોટાભાગના ખેતરોમાં સર્વનાશ થયો છે ત્યારે આવા મર્યાદિત નિયમોને બદલે સરકારે ઉદારતા દાખવવી જોઈએ તેમજ નવસારી જિલ્લાના ખેડૂતો માટે સરકારે જટિલ નિયમો હળવા કરીને તાત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ, એવી માંગણી ખેડૂતોમાં ઊભી થવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો