ચીખલી તાલુકાની ઘેજની સહકારી મંડળીમાં રાસાયણિક ખાતરના વેચાણમાં ગેરરીતિની ફરિયાદ બાદ હરકતમાં આવેલા ખેતીવાડી વિભાગના અધિકારીઓની તપાસમાં ખેત મજૂરોના નામે પણ બીલ બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે.હાલે ત્રણ જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ગામમાં નિવેદનો લેવાયા છે.
ચીખલી તાલુકાના ઘેજ ગામની સહકારી મંડળીમાં યુરીયા ખાતરના ખેડૂતોના નામે બીલો બનાવીને ખાતર બહાર વેચવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરવામાં આવ્યા બાદ હરકતમાં આવેલા ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીના ત્રણ જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ગામમાં જેમના નામનાબીલ છે. તેઓનો રૂબરૂ સંપર્ક કરી નિવેદનો લેવાઈ રહ્યા છે.અને આ નિવેદનો પીઓએસ મશીનના ડેટાના આધારે લેવામાં આવી રહ્યા હોવાનુ જાણવા મળ્યુ હતું.
અધિકારીઓ દ્વારા નિવેદનો લેવાયા હતા. તે પૈકી કેટલાક લોકોની જમીન જ નથી કે ખેતી નથી અને મજૂરી કરી જીવન ગુજારી રહ્યા છે.તેવા લોકોના નામે પણ બીલ ઉધારી દેવાયા હોવાની ચોકાવનારી હકીકત બહાર આવવા પામી છે.મંડળીમાં સસ્તા અનાજની દુકાન પણ હોય અનાજ માટે જાય ત્યારે તેઓની જાણ બહાર ખાતર માટેના મશીનમાં પણ અંગૂઠો મુકાવી બીલ ઉધારાયા હોય તેવુ ફલિત થઈ રહ્યુ છે. જો કે નિષ્પક્ષ તપાસ બાદ જ ચોક્કસ હકીકત બહાર આવશે પરંતુ હાલે જે લોકો હકિકતમાં ખાતર લઈ ગયા નથી અને લઈ ગયા તેના કરતા બીલમાં જથ્થો વધારે હોય તેવા લોકો ચિંતામાં મુકાયા છે. આ ખાતરનો જથ્થો ક્યાં સગેવગે થયો તેની તપાસ જરૂરી છે.
ખાતરનું પેમેન્ટ ઘણા સમયથી બાકી હોય તેવામાં ઓડિટરો દ્વારા દર વર્ષે ઓડિટ થતુ હોય ત્યારે ઓડિટમાં કોઈ હકીકત કેમ બહાર ન આવી અને કોઈ નિયમ વિરુદ્ધની વિગત બહાર આવી હોય તો આજદિન સુધી કેમ કોઈ પગલા લેવાયા નથી, કે પછી ઢાંકપિછોડો કરવામાં આવ્યો આ બાબતે જિલ્લા કલેકટર અંગત રસ લઈ નિષ્પક્ષ તપાસ કરાવે તો મોટુ ભોપાળુ બહાર આવે તેમ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો