ગણદેવી : ગણદેવી તાલુકાના અંચેલી ગામે શરદ પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ અંચેલી યુવક મંડળ દ્વારા પરંપરાગત વેશભૂષામાં ગરબા જીવંત કરાયા હતા. વિવિધ આકર્ષક વેશભૂષા સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. બાળકોથી લઈને મોટેરાઓએ પ્રાચીન પાત્રોની વેશભૂષા ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરંપરાગત વેશભૂષા અને ગરબાની રજૂઆત દ્વારા ભારતીય સંસ્કૃતિ, લોકપરંપરા અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવા મળી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે વેશભૂષા અને ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં આપણી પરંપરાઓ અને સંસ્કારોનું સિંચન કરે છે. ખાસ કરીને નવી પેઢીને આપણા સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવા અને તેનું જતન કરવા માટે આવા આયોજનો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જિલ્લા પં. પ્રમુખ નિરાલી નાયકે પણ ખેલૈયાઓ અને ઉપસ્થિતોને સંબોધતાં સાંસ્કૃતિક વિરાસતના જતન, પરંપરાઓના સંવર્ધન અને સમાજમાં એકતા જાળવવાના મહત્ત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ગણદેવી ભાજપ પ્રમુખ શૈલેષ હળપતિ, નટુ પટેલ, રાજુ પટેલ, મિરવ નાયક, નિલેશ નાયક, સરપંચ પ્રતીક્ષા પટેલ તથા પ્રતીક પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
