ગણદેવી : ગણદેવી તાલુકાના અવસરવિલા-1 સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યો તસ્કર સોનાના દાગીના તથા કપડાં ભરેલી બેગ સહિત રૂ. 4,95,489ની મત્તા ચોરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ગણદેવી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દિલ્હીના વતની અને હાલ ગણદેવીની અવસરવિલા-1 સોસાયટીમાં ભાડેથી રહેતા શિવમ રાજેશભાઇ ભારદ્વાજ (ઇન્સ્યુરન્સ એજન્ટ) અને તેમની પત્ની ડો. વૃષ્ટિ ગાંધી શનિવાર સાંજના સમયે ગણપતિ બાપાની મૂર્તિ બુક કરાવવા માટે ઘરને તાળું મારીને બીલીમોરા ગયા હતા. સાંજે આશરે 06:40 વાગ્યાથી રાત્રે 08:45 વાગ્યાના ગાળામાં દંપતી ઘર બહાર ગયું હતું. રાત્રે પરત ફરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ઘરના પહેલા માળે આવેલી બાલ્કનીનો સ્લાઇડર ડોર ખુલ્લો હતો અને કબાટમાંથી સોનાના દાગીના ગાયબ હતા. સોનાની બે બંગડીઓ (વજન 44.550 ગ્રામ) કિંમત રૂ. 3,67,139, સોનાની ચેઈન (વજન 12.350 ગ્રામ) કિંમત રૂ. 88,350, સોનાનું પેન્ડટ (વજન આશરે 05 ગ્રામ) કિંમત રૂ. 40 હજાર તેમજ કપડાં ભરેલી લીલા રંગની ટ્રોલીબેગ તથા બ્લ્યુ-વ્હાઇટ રંગની બેકબેગ મળી કુલ રૂ. 4,95,489ની ચોરી થઈ હતી. ઘટના બાદ સોસાયટીના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા એક અજાણ્યો તસ્કર યુવાન સાંજે 06:51 વાગ્યાના અરસામાં સોસાયટીના પાછળના ભાગેથી પ્રવેશે છે. ત્યારબાદ તે ઘરના પાછળના ભાગેથી પહેલા માળની બાલ્કની મારફતે ઘરમાં ઘૂસી ચોરીને અંજામ આપીને રાત્રે 08:02 વાગ્યે ચોરી કરેલી ટ્રોલીબેગ અને બેકબેગ સાથે સોસાયટીના મેઇન ગેટથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ અંગે શિવમ ભારદ્વાજની ફરિયાદના આધારે ગણદેવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. આઈ. રાઠોડે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
