જલાલપોર તાલુકાના એરૂ ગામમાં આવેલી જમીનના મૂળ મૃતક માલિકના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપ કરવાનો કારસો રચવાના ગુનામાં ભાગેડું વોન્ટેડ આરોપી ઓપેરા ગ્રૂપના મહેશ સાંગાણીના સુરતના નિવાસસ્થાને પોલીસ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જલાલપોર તાલુકાના એરૂ ગામના બ્લોક સર્વે નં. 892/2, 455/1, 892/2, 63/6/1 તથા 682 વાળી ખેતીની જમીનના મૂળ માલિક ચીમનલાલ કરશનજી દેસાઈનું તા. 11-08-1999ના રોજ જ અવસાન થયું હતું.
મૃતક માલિકના અવસાનના વર્ષો બાદ પણ આરોપીઓએ કાવતરું રચીને તા. 16-06-2005ના રોજ તેમના નામે ખોટો જનરલ પાવર ઓફ એટર્ની ઊભો કરી દીધો હતો. આ બોગસ દસ્તાવેજના આધારે સંબંધિત સરકારી કચેરીઓમાં ખોટી માહિતી પૂરી પાડીને જમીનના દસ્તાવેજો કરાવી લેવામાં આવ્યા હતાં. આ ગુનાની ફરિયાદ જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે સુરતના બિલ્ડર મુકેશ મનસુખભાઈ મેંદપરા (રહે. બી-401, સહજાનંદ રેસિડેન્સી, વાલક પાટિયા, મોટા વરાછા, સુરત- હાલ રહે. બી/102, મેરીગોલ્ડ ક્રીએસ્ટા, સરથાણા જકાતનાકા, સુરત)ની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આ ગુનામાં વોન્ટેડ આરોપી ઓપેરા ગ્રૂપના બિલ્ડર મહેશ જયંતિભાઈ સાંગાણી (રહે. 402, મંત્ર લક્ઝુરિયસ, તાપ્તી ગ્રીનની બાજુમાં, મોટા વરાછા, સુરત) તથા ઉકાભાઈ રામભાઈ વાળા (રહે. વિક્રમનગર, બોમ્બે માર્કેટ, ઉમરવાડા, સુરત), નાનજીભાઈ વલ્લભભાઈ વઘાસીયા, મી.એસ.પી. સિંદે અને રમેશભાઈ રવજીભાઈ ભીમાણી (રહે. 113940, જી.બી. પાર્ક, એરૂ, તા. જલાલપોર)ની શોધખોળ થઈ રહી છે. દરમિયાન આ કેસમાં માસ્તર માઈન્ડ એવા ઓપેરા ગ્રૂપના બિલ્ડર મહેશ જયંતિભાઈ સાંગાણીરના સુરતના મોટા વરાછા તાપ્તી ગ્રીનની બાજુમાં આવેલા મંત્ર લક્ઝુરિયસના ફ્લેટમાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વધુ તપાસ પીઆઈ એલ.જી. રાઠોડ કરી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો