નવસારી : નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રકાશના પર્વ દિવાળીની ભક્તિભાવ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સાકાર પામેલા આ મંદિરમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિના તમામ ઉત્સવો અપાર શ્રદ્ધા સાથે ઉજવાય છે, જેના ભાગરૂપે વર્ષના શિરમોર ઉત્સવ એવા દિવાળી પર્વ નિમિત્તે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. દિવાળીની સંધ્યાએ મંદિર પરિસરમાં 3500 માટીના દીપકો પ્રગટાવવામાં આવ્યા હતા. માટીના દીપકોની સાથે-સાથે રંગબેરંગી વીજળીની રોશનીથી સમગ્ર મંદિર શોભાયમાન બની ઉઠયું હતું. ભગવાનની સંધ્યા આરતી સમયે મંદિરનું વાતાવરણ એટલું દિવ્ય બન્યું હતું કે જાણે નભમાંથી તારામંડળ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવો અલૌકિક નજારો જોવા મળ્યો હતો. દિવાળીના પાવન દિવસે મંદિરના સંતો દ્વારા ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ પરંપરાગત શારદા પૂજન તથા ચોપડા પૂજનની વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અને વેપારીઓ પોતાના નવા વર્ષના ચોપડા લઈને પૂજન વિધિમાં જોડાયા હતા. મંદિરમાં 1000થી પણ વધુ ચોપડાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. સંતો અને હરિભક્તોએ નૂતન વર્ષના ચોપડાપર પુષ્પ અને અક્ષત (ચોખા) અર્પણ કરી, આવનારું નવું વર્ષ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયી નીવડે તેવી ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી હતી. રાત્રિના સમયે મંદિર પરિસરમાં યોજાયેલી આતશબાજીના વિવિધ રંગોથી આકાશ દેદીપ્યમાન બની ઉઠયું હતું અને ઉપસ્થિત સૌ હરિભક્તોએ આ અદભુત દીપોત્સવનો લ્હાવો લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો