ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગ હેઠળના સુરત-2 ડેપો દ્વારા સંચાલિત સુરત-એંધલ નાઈટ બસ વારંવાર રદ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્રણ મહિનામાં અંદાજે 35 નાઈટ સહિત 140થી વધુ ટ્રિપ રદ થતાં આ રૂટ ઉપર નિયમિત મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને પાસધારકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્રણ દાયકાથી કાર્યરત અને નિગમને રોજની અંદાજે રૂ. 12થી 15 હજારની આવક રળી આપતી આ બસની અનિયમિત કામગીરી સામે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મળતી વિગતો મુજબ સુરત-એંધલ બસની વિવિધ ટ્રીપ વારંવાર રદ થવાને કારણે સમગ્ર સમયપત્રક ખોરવાઈ રહ્યું છે. જેમાં બપોરે 12:45 કલાકે સુરતથી એંધલ થઈ બીલીમોરા જતી, બપોરે 3:10 કલાકે બીલીમોરાથી એંધલ થઈ સુરત જતી, સાંજે 5:45 કલાકે સુરતથી એંધલ નાઈટ રોકાણ માટે જતી અને સવારે 5:00 કલાકે એંધલથી સુરત જતી બસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સવારે 6:40 કલાકે સુરતથી એંધલ થઈ બીલીમોરા અને સવારે 9:00 કલાકે બીલીમોરાથી એંધલ થઈ સુરત જતી ટ્રિપ પણ રદ થતી હોવાની ફરિયાદ છે. આ બસ સેવા પર મર્યાદિત આવક ધરાવતા નોકરિયાતો, પાસધારકો તેમજ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો મોટો આધાર છે. બસ અચાનક રદ થતાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પહોંચવામાં મુશ્કેલી પડે છે, જ્યારે નોકરિયાત વર્ગને પણ સમયસર નોકરીના સ્થળે પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. પરિણામે મુસાફરોને મોંઘા ખાનગી વાહનોનો સહારો લેવાની ફરજ પડી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો