નવસારી : નવસારી જિલ્લામાં કુદરત જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી હોય તેમ માત્ર એક જ મહિનામાં લોકોએ ત્રીજી વખત પૂરનો વિકરાળ સામનો કરવો પડયો હતો. જિલ્લામાં ભારે વરસાદ તો વરસ્યો જ છે, પરંતુ સાથે-સાથે નદીઓના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. એક તરફ્ આકાશી આફ્ત, બીજી તરફ્ નદીઓમાં ઘોડાપુર અને દરિયાની મોટી ભરતીના ત્રિભેટે સર્જાયેલી કુદરતી આપત્તિએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. આ સંયુક્ત મારના કારણે દરિયાકાંઠે બનાવવામાં આવેલા જિંગા તળાવો ફૂટી જતા તળામાલિકોના લાખો રૂપિયાના જિંગા પાણીમાં વહી ગયા હતા.
નવસારી જિલ્લાના ઐતિહાસિક અને દેશની આઝાદીના ઇતિહાસ સાથે સીધા જોડાયેલા દાંડી દરિયા કિનારાની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં વ્યવસાયિક ધોરણે જિંગા તળાવો બનાવવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે નદીઓનું પાણી દરિયા તરફ્ ધસી રહ્યું હતું, તે જ સમયે દરિયામાં પણ મોજાં વિકરાળ બન્યા હતા. નદીઓના ધસમસતા પાણીના પ્રચંડ પ્રવાહ અને દરિયાના ઊંચા મોજાંની થાપટ જિંગા તળાવો સહન કરી શક્યા નહીં. આથી તળાવોની માટીની દીવાલો ધ્વસ્ત થઈ ગઈ હતી. આ ફૂટી ગયેલા તળાવોમાં ઉછેરવામાં આવેલો કિમત જિંગા સીધા જ પાણીના ભારે વહેણમાં તણાઈ ગયા હતા. આ અચાનક આવેલા સંકટના કારણે જિંગા તળાવના માલિકો અને આ વ્યવસાય સાથે સંકળાયેલા જિંગાપાલન ખેડૂતોને માથે આભ તૂટી પડયું હોય તેમ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રોજીરોટીનું સપનું લઈને બેઠેલા પરિવારો આ આફ્તથી ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. બીજી તરફ્ તળાવો ફૂટી જવાથી હજારોની સંખ્યામાં જીવતા જિંગા તણાઈને દાંડી દરિયા કિનારે પહોંચ્યા હતા અને દરિયાઈ રેતીમાં મોટી સંખ્યામાં જિંગા તણાઈ આવ્યા હોવાની બાતમી વાયુવેગે પ્રસરતા જ આજુબાજુના ગામના લોકો જાળ, તગારા અને કોથળા લઈને મોટી સંખ્યામાં દરિયામાં ઉતરી પડયા હતા. દરિયાના કાંઠે જિંગા પકડવા માટે ગ્રામજનોમાં પડાપડી જામી હતી અને લોકો જિંગા એકઠા કરતા નજરે પડયા હતા.
