દક્ષિણ ગુજરાતની ધરા પર દૂધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસી સમાજ દ્વારા નવસારીના તરોટા બજાર સ્થિત ઐતિહાસિક અગિયારીમાં પાક આતસ બહેરામને પ્રાર્થના કરી હર્ષોલ્લાસ સાથે 1396મું પારસી નવું વર્ષ ઉજવવામાં આવ્યું હતું. 10 દિવસના પવિત્ર મુક્તાદના દિવસો બાદ નવા વર્ષના પ્રારંભે પારસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
હજારો વર્ષ પૂર્વે ઈરાનથી દરિયાઈ માર્ગે દક્ષિણ ગુજરાતના કાંઠે આવેલા સંજાણ બંદરે પારસીઓ ઉતર્યા હતા. સમય જતાં આ પારસીઓ અહીંની સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ એકરસ થઈ ગયા. સંજાણ બંદરેથી આગળ વધીને જ્યારે પારસીઓ નવસારી તરફ્ આવ્યા, ત્યારે તેમને અહીં ઈરાનના સારી' શહેર જેવો જ નજારો જોવા મળ્યો હતો. આ સુંદર સામ્યતાને કારણે તેમણે આ પ્રદેશનું નામ નવ-સારી રાખ્યું, જે સમય જતાં અપભ્રંશ થઈને આજનું 'નવસારી' બન્યું છે. પારસી કેલેન્ડર મુજબ વર્ષના છેલ્લા દિવસને 'પતેતી' તરીકે ઉજવવામાં આવે છે, અને ત્યારબાદ નવા વર્ષ 'નવરોઝ'નો પ્રારંભ થાય છે. નવસારીમાં આવેલી આ અગિયારી અંદાજે 200 વર્ષથી પણ વધુ જૂની છે. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, પારસીઓ જ્યારે ઈરાનથી આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે પવિત્ર અગ્નિ જ્યોત લઈને આવ્યા હતા. આ પવિત્ર અગ્નિને સૌપ્રથમ નવસારીની આ જ અગિયારીમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ અહીંથી જ તેને પારસીઓના સૌથી પવિત્ર તીર્થધામ સમાન ઉદવાડા સ્થિત આતશ બહેરામમાં સ્થાપિત કરવામાં આવી હતી.નવા વર્ષના આ પર્વ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન પારસી પરિવારો દ્વારા ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે પારસીઓ શહેરની અગિયારીમાં એકત્રિત થયા હતા અને પાક આતસ બહેરામને પુષ્પ અર્પણ કર્યા હતા. અગ્નિ સમક્ષ સુખડના લાકડાના ટુકડાઓ તથા લોબાનની આહુતિ આપીને સમસ્ત વિશ્વ અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અગિયારીના દર્શન અને પૂજાવિધિ પૂર્ણ કર્યા બાદ સૌએ એકબીજાને નવરોઝ મુબારક' પાઠવ્યા હતા.
