નવસારી ગ્રામ્ય તાલુકાના અડદા ગામે કણાઈ ખાડીના કુદરતી પ્રવાહમાં અવરોધરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ મેગા ઓપરેશનથી ચોમાસા દરમ્યાન સર્જાતી પૂરની સમસ્યાથી ગ્રામજનો અને ખેડૂતોને મોટી રાહત મળશે. ચોમાસાની સિઝનમાં ખાડીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે આસપાસના વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ પરિસ્થિતિને ધ્યાને રાખી ડ્રેનેજ વિભાગ દ્વારા અગાઉ સંબંધિતોને નોટિસ પાઠવી સ્વૈચ્છિક દબાણ હટાવવા તાકીદ કરાઈ હતી. જોકે, નિર્ધારિત સમયમાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્રએ કડક પગલાં લીધાં હતાં. પ્રાંત અધિકારી, મામલતદાર (નવસારી ગ્રામ્ય) તથા કાર્યપાલક ઈજનેર (ડ્રેનેજ વિભાગ)ના સંકલનથી વિશેષ ટીમ બનાવી આ કામગીરી કરાઈ હતી. આ ઓપરેશન દરમ્યાન જેસીબી અને આધુનિક મશીનરીની મદદથી ખાડીને અડીને આવેલી રહેણાંક અને કોમર્શિયલ સોસાયટીઓની અનધિકૃત કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી હતી, જેથી ખાડીનો મૂળ પ્રવાહ ખુલ્લો થઈ શકે. તંત્રની આ કડક કાર્યવાહીથી હવે આગામી દિવસોમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે અને સ્થાનિક જનતાને જળબંબાકારની સ્થિતિમાંથી છુટકારો મળશે.
