જલાલપોર તાલુકાના ચોખડ ગામે વિકાસના નામે બની રહેલી ખાનગી સોસાયટીઓની બેદરકારીના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીઓ દ્વારા ડ્રેનેજના ગંદા પાણીના યોગ્ય નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ સીધું જાહેર વિસ્તારમાં પાણી છોડવામાં આવતા ગંદકી અને ફેલાતી દુર્ગંધના કારણે આસપાસના રહીશોનું જીવવું મુશ્કેલ બનતા ગ્રામજનોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

ચોખડ ગામમાં નવી બની રહેલી ખાનગી સોસાયટીના સંચાલકો દ્વારા ડેવલપમેન્ટ વખતે ડ્રેનેજ લાઇન કે શોષક ખાડા (સોકપીટ) જેવી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી. પરિણામે, સોસાયટીમાંથી નીકળતું સમગ્ર ગંદું અને દૂષિત પાણી ખુલ્લા વિસ્તારમાં ફરી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે જો આવી જ રીતે બેજવાબદાર રીતે ગંદું પાણી છોડાતું રહેશે તો ગામની સ્વચ્છતાનું અમીય સચવાશે નહીં અને સ્વચ્છ ભારત અભિયાનના દાવાઓ પણ પોકળ સાબિત થશે.

જાહેર વિસ્તારમાં સતત ભરાઈ રહેતા ગંદા પાણીના કારણે વિસ્તારમાં ગંભીર બીમારીઓ ફેલાવાનું જોખમ ઊભું થયું છે. ચોવીસ કલાક હવામાં ફેલાતી ભારે દુર્ગંધના કારણે લોકોના શ્વાસ લેવા પણ મુશ્કેલ બન્યા છે. આ સાથે જ ચોમાસા કે સામાન્ય દિવસોમાં પણ આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના લીધે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત સ્થાનિક પરિવારોને સતાવી રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ચોખડ ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ સંબંધિત તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ (પંચનામું) કરવામાં આવે. સોસાયટીની મંજૂરી અને નકશાની ફાઈલની ચકાસણી કરી નિયમો વિરુદ્ધ કામ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી થાય. તેમજ જાહેર વિસ્તારમાં છોડવામાં આવતું ગંદું પાણી તુરંત બંધ કરાવીને સોસાયટી પરિસરમાં જગંદા પાણીના નિકાલની યોગ્ય અને કાયમી વૈજ્ઞાનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો