નવસારી : નવસારી તાલુકાના સુપા ગામમાં છેલ્લા બે દિવસથી હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં આ કૂતરાએ ગામના 6 થી 7 જેટલા લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં સમગ્ર ગામમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. સુપા ગામમાં અચાનક લોકો પર હુમલો કરતા આ શ્વાનને કારણે ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી છે. ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વડીલોની સુરક્ષાને લઈને પરિવારજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુપા ગામમાં છેલ્લા બે દિવસથી એક આક્રમક કૂતરો લોકો પર અચાનક હુમલો કરી રહ્યો છે. રસ્તા પરથી પસાર થતા ગ્રામજનોને નિશાન બનાવી બચકાં ભરવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 6થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. કૂતરાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમને પ્રાથમિક સારવારની સાથે હડકવા સામે રક્ષણ આપતી એન્ટિ-રેબીઝ રસીના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. ગામમાં એક પછી એક લોકોને કૂતરાના હુમલાનો ભોગ બનવું પડતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત, નવસારી મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ તેમજ પશુ સુરક્ષા અને રેસ્ક્યૂની કામગીરી સાથે સંકળાયેલા સ્થાનિક એનિમલ હેલ્પલાઇન તથા રેસ્ક્યૂ ગ્રૂપને ટેલિફોનિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, વારંવાર જાણ કરવા છતાં હજુ સુધી આ આક્રમક શ્વાનને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. એક તરફ કૂતરાના હુમલાની ઘટનાઓ વધી રહી છે, તો બીજી તરફ તંત્રની ધીમી કામગીરીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. સુપા ગામમાં સર્જાયેલી આ પરિસ્થિતિને પગલે વાલીઓમાં ખાસ ચિંતા જોવા મળી રહી છે. શાળાએ જતા બાળકો, ઘર નજીક રમતા નાના ભૂલકાંઓ તેમજ રોજિંદા કામકાજ માટે બહાર નીકળતા વડીલોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. કૂતરો ક્યારે અને કોના પર હુમલો કરશે તેની કોઈ ખાતરી ન હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં સંબંધિત વિભાગોએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. સુપા ગામના ગ્રામજનોએ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર સમક્ષ હડકાયા શ્વાનને તાત્કાલિક પકડવામાં આવે અને નિષ્ણાત ડોગ રેસ્ક્યૂ ટીમ મોકલી આક્રમક શ્વાનને શોધીને સુરક્ષિત રીતે પકડી જરૂરી પશુચિકિત્સકીય તપાસ અને સારવાર માટે ખસેડવામાં આવે. તેમજ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એન્ટિ-રેબીઝ ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે, જેથી કૂતરાના બચકાંનો ભોગ બનનાર લોકોને તાત્કાલિક સારવાર મળી રહે. અને ગામમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને નિયંત્રિત કરવા માટે નિયમિત રસીકરણ, પશુચિકિત્સકીય દેખરેખ અને નિયમો મુજબ ખસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી.
