રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદની ધાર ગત બે દિવસથી ધીમી પડતા જનજીવન ફરીથી થાળે પડયું છે. બીજી તરફ મનમોહક વરસાદી માહોલ અને ગાઢ ધુમ્મસના કારણે જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શનિવાર અને રવિવારે ગિરિમથક સાપુતારા, આહવા, વઘઈ, સુબીર સહિત પૂર્વ પટ્ટી અને સરહદીય વિસ્તારોમાં દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. વરસાદનું જોર ઘટતા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ ઊમટી પડયા હતા. સાપુતારા ખાતે ઝરમર વરસાદ અને ગાઢ ધુમ્મસની સફેદ ચાદર વચ્ચે સમગ્ર પ્રકૃતિ મનમોહક બની જતાં પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણ્યો હતો. પ્રવાસીઓએ બોટિંગ, રોપવે સહિત વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ વરસાદી વાતાવરણને યાદગાર બનાવ્યું હતું. બીજી તરફ્ વઘઈના પ્રસિદ્ધ ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન વઘઇ તેમજ ગિરમાળ ગીરાધોધ ખાતે પણ પ્રવાસીઓનો જનસેલાબ ઊમટી પડયો હતો. ડાંગ જિલ્લામાં વાહનોની સતત અવરજવર અને પ્રવાસીઓની ભારે ભીડને કારણે તમામ મુખ્ય પ્રવાસન સ્થળો દિવસભર ચહલપહલથી ધમધમતા રહ્યા હતા. ડાંગ જિલ્લામાં વવરસાદની ધાર ધીમી પડતાં અને કુદરત સોળે કળાએ ખીલી ઊઠતાં ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો ફરી એકવાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોવાનું જોવા મળ્યું હતું.
