વાંસદાની આંગડિયા પેઢીમાં બે મહિના
પહેલા જુલાઈમાં ધોળે દહાડે રૂ. 12.50 લાખની લૂંટ પ્રકરણમાં ચાર દિવસ પહેલા માઉન્ટ આબુના આશ્રમમાંથી આરોપી રાજારામ
ચૌધરી ઝડપાયો હતો. તેને 18મી સપ્ટેમ્બર શુક્રવારની સાંજે નવસારી સિવિલ હોસ્પિટલ પાસેથી પોલીસને ચકમો
આપી ફરાર થઈ જતાં પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી છે. આ ઘટનામાં ફરાર આરોપી રાજારામ અને ફરજમાં બેદરકારી દાખવનાર વાંસદા પોલીસ સ્ટેશનના
ત્રણ કર્મચારીઓ સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ગત જુલાઈ મહિનામાં વાંસદાની આંગડિયા
પેઢીમાં રૂ. 12.50 લાખની લૂંટ થઈ હતી. આ ગુનામાં 14 સપ્ટેમ્બરના રોજ પોલીસે ભારે જહેમત બાદ રાજસ્થાનના માઉન્ટ આબુના અંતરિયાળ
ડુંગરગીરી આશ્રમમાં સાધુ અને સેવકનો વેશ ધારણ કરીને રહેતા લૂંટ કેસના મુખ્ય સૂત્રધાર
રાજારામ ઉર્ફે રાજુ રૂપા રામજી ચૌધરી (ઉં.વ. 25, હાલ રહે. દેલવાડા ગામ, માઉન્ટ આબુ, પાંડુ ભવન, ડુંગરગીરી આશ્રામમાં, રાજસ્થાન. મૂળ રહે. આમલારી ગામ, જિ. શિરોહી, રાજસ્થાન)ને આશ્રામની સોશિયલ મીડિયા રીલ્સના આધારે ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવ્યા હતાં. પોલીસ કસ્ટડીમાં
રહેલા આરોપી રાજારામે 15મી સપ્ટેમ્બરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને સારવાર માટે
નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર બાદ 18મી શુક્રવારના રોજ સાંજે રજા આપવામાં આવી હતી. આરોપીના જાપ્તા બંદોબસ્તમાં રહેલા વાંસદા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાકેશ
અમૃતભાઈ, કોન્સ્ટેબલ મહેશ સતિષ પટેલ અને રાહુલ અશોક પટેલ સાંજે છ વાગ્યાના અરસામાં આરોપી
રાજારામ ચૌધરીને હાથકડી સાથે સબજેલમાં મૂકવા માટે હોસ્પિટલની બહાર પાર્ક કરેલી ખાનગી
કારમાં બેસાડવા માટે લાવ્યા હતાં. દરમિયાન આરોપી રાજારામ ચૌધરીએ પોલીસ કોન્સ્ટેબલ રાહુલ પટેલને જોરદાર ઝટકો આપી હથકડી
છોડાવી રોડનું ડિવાઇડર કૂદી સોસાયટીઓના રસ્તે વિજલપોર તરફ ફરાર થઈ ગયો હતો. નવસારી સિવિલ હોસ્પિટલની બહાર થી લૂંટ કેસનો મુખ્ય આરોપી રાજારામ ફરાર થઈ જવાની
જાણ થતા શહેરની બ્રાન્ચિસો અને પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવી રેલવે સ્ટેશન તેમજ આસપાસના
વિસ્તારોમાં રાતભર શોધખોળ કરવા છતાં તેની ભાળ મળી ન હતી. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી રાજારામ ચૌધરી વિજલપોર રોડ પર આવેલા સાંઈબાબા
મંદિર તરફનો વિસ્તારમાં અને શનિવારે સવારે શારદા મંદિર વિદ્યાલય પાસેથી ભાગતો હોવાનું
વિદ્યાર્થીઓએ નિહાળતા પોલીસે વિજલપોર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
