નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને અંબિકા નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે સર્જાયેલી કુદરતી આફતે સમગ્ર પંથકમાં ભયાનક તારાજી સર્જી છે. જિલ્લામાં સૌથી વધુ પ્રભાવિત ગણદેવી તાલુકામાં 23 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક આંકડા બહાર આવ્યા છે, જેના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે. આ સાથે પશુધન અને ખેતીની ભારે ખુવારીથી ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડયો છે.

ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં આવેલા મહાપૂરના સંકટ સમયે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પૂરના પ્રકોપ બાદ જ્યારે પાણી ઓસર્યા, ત્યારે અનેક ગામોમાં પીવાના પાણીની અત્યંત વિકટ અને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું બહાર આવ્યું હતું. કુદરતી આફતના આ કપરા કાળમાં પાણીના શ્રોતો દૂષિત થઈ જતા પીવાના પાણી માટે લોકોએ લાંબી કતારો લગાવી હતી.

આ વિકટ પરિસ્થિતિમાં માનવતાની મહેક ફેલાવતા સરાવ ગ્રામ યુવક મંડળ તથા અનેક સેવાભાવી સંસ્થાઓ અને ગામના સેવાભાવિ યુવાનો તાત્કાલિક મેદાને આવ્યા હતા. પૂરગ્રસ્ત ગામોમાં પીવાના પાણી અને ફૂડ પેકેટ લઈને યુવાનો લોકોની વહારે પહોંચ્યા હતા. તારીખ 24 અને 25 જુલાઈ 2026ના રોજ અંબિકા નદીના કિનારે આવેલા લેંસલા, લાલી, કૂળિયા, ડમલા કૂળિયા, સરીખુંદ, કલમઠા, ઘોડા કૂળિયા, મારિલી અને શંલલ જેવા પૂરગ્રસ્ત ગામોમાં 3 થી 4 ફૂટ જેટલા ભરાયેલા પાણી અને કીચડ વચ્ચે ટ્રેક્ટર દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી.

યુવાનો દ્વારા આ ગામોમાં 7,000 લિટર જેટલું મિનરલ વોટર અને ખીચડી તથા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી પૂર પીડિતોને મોટી રાહત અનુભવાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો