નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ 'ઓપરેશન મ્યુલ હંટ' અંતર્ગત જલાલપોર પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં પોતાના બેંક ખાતા ભાડે આપીને કમિશન મેળવતી ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડી બે ગુનાનો ભેદ ઉકેલ ઉકેલી નાખ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી પોલીસને નવી દિલ્હી સ્થિત ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) તરફથી મ્યુલ બેંક એકાઉન્ટ્સ અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઇનપુટ્સના આધારે જલાલપોર પોલીસની તપાસ દરમિયાન નવસારીની કેનેરા બેંક બ્રાન્ચનું એક શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ 'સમન્વય પોર્ટલ' ઉપર મળી આવ્યું હતું. જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખૂલ્યું કે આ બોગસ ખાતું સત્યપ્રકાશ કમલેશનારાયણ પાંડે (રહે. વિરલનગર, પુણેશ્વર પાસે, જલાલપોર) નામે છે.

આ અંગે જલાલપોર પોલીસ સ્ટેશનના પીઆઇ એલજી રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમોએ ટેક્નિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને ડિજિટલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી ઓપરેશન મ્યુલ હંટ આરોપી સત્યપ્રકાશ કમલેશનારાયણ પાંડે (ઉં.વ. 33, ધંધોઃ રિક્ષા ડ્રાઈવર, રહે. પુણેશ્વર, વિરલનગર, જલાલપોર), આરીફ્ બાદશાહ શેખ (રહે. બંદર રોડ, ગાયત્રી મંદિર પાસે, હાલ રહે. તાઈવાડ, જલાલપોર) અને સંતોષ શિવકુમાર પટેલ રહે (નગીન જીવનની ચાલ, નવસારી)ને ઝડપી પાડયા હતા.

જલાલપોર પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપી નરેશ કાળુભાઈ ગેડિયા (રહે. શિવાન એન્ટિલા, મહારાજ ફાર્મ પાસે, મોટા વરાછા, સુરત) અને ભરત ગોપાલભાઈ વ્હોરા (હાલ રહે. સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન પકડાયેલ આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં કર્ણાટક તેમજ અલગ-અલગ રાજ્યોમાંથી ફ્રોડના માધ્યમથી કુલ રૂ. 23,61,000ના નાણાકીય વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) કરવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું હતું આ અંગે વધુ તપાસ જલાલપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ. જી. રાઠોડ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો