બીલીમોરા : બીલીમોરામાં ભયાવહ વરસાદી પૂરને ત્રણ સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ડેપો સામેનો રેલવે અંડરપાસ હજુ સુધી રાબેતા મુજબ શરૂ થયો નથી. અંડરપાસમાં પૂરનું પાણી ઓસર્યા બાદ પણ કાદવ-કચરો અને ગંદકીની સફાઈ ન થતાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો આ મહત્ત્વનો ટૂંકો માર્ગ બંધ રહેતા લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
બીલીમોરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ રેલવે અંડરપાસ સ્થાનિક લોકો માટે લાઈફલાઈન સમાન છે. બજાર, શાળા-કોલેજ, સરકારી કચેરીઓ તેમજ અન્ય કામકાજ માટે રોજેરોજ મોટી સંખ્યામાં લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. અંડરપાસ બંધ હોવાથી લોકોને રેલવે ઓવરબ્રિજ તરફ્ લાંબો ચકરાવો કાપવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, વડીલો અને પગપાળા અવરજવર કરતા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નજીકના વિસ્તારમાં જવાનું હોય છતાં અંડરપાસ બંધ હોવાથી સમય અને અંતર બંને વધે છે. વરસાદી માહોલમાં ઓવરબ્રિજનો ચકરાવો કાપવો પડતો હોવાથી રાહદારીઓની મુશ્કેલીમાં વધુ વધારો થાય છે. ખાડા માર્કેટમાં માથે ટોપલો મૂકી જતી મહિલાઓની હાલત દયનીય બની છે. હાલમાં સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણનો મેળો ચાલી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બીલીમોરા આવી રહ્યા છે. મેળા દરમિયાન શહેરમાં વાહન વ્યવહાર અને લોકોની અવરજવર વધી છે ત્યારે પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્ત્વનો અંડરપાસ બંધ રહેતા સ્થાનિકો ઉપરાંત બહારથી આવતા લોકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પૂર જેવી મોટી આપત્તિ બાદ તાત્કાલિક સફાઈ અને પાણીના નિકાલની કામગીરી થવી જરૂરી હતી, પરંતુ ત્રણ સપ્તાહ વીતી ગયા છતાં અંડરપાસની સ્થિતિમાં સુધારો ન થતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. નાગરિકોનું કહેવું છે કે માત્ર કચેરીમાં બેસીને કામગીરીની સમીક્ષા કરવાને બદલે પાલિકાના શાસકો અને ચીફ્ ઓફ્સિરે સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરી તાત્કાલિક કામગીરી કરવી જોઈએ.
