નવસારી શહેરના જુનાથાણા ખાડા વિસ્તારમાં મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા ધર્મેશભાઈ વસંતભાઈ પટેલના ઘરના આંગણે પાર્ક કરેલ મોટરસાયકલને શનિવારની મધ્યરાત્રિએ અજાણ્યા ઇસમોએ કોઈ અગમ્ય કારણસર આગ લગાવીને ફૂકી મારી હતી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં ધર્મેશભાઈના ઘરના આંગણે અચાનક મોટરસાયકલનું ટાયર ફાટવાનો જોરદાર અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને ધર્મેશભાઈ અને તેમનો આખો પરિવાર ઊંઘમાંથી જાગી તુરંત ઘરની બહાર દોડી બહાર આવીને જોતા તેમની બાઈક આગની લપેટમાં સળગી રહી હતી. પરિવારે તાત્કાલિક સાવચેતી દાખવીને પાણી છાંટીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બાઈકને વ્યાપક નુકસાન થઈ ચૂક્યું હતું. આ અણધારી ઘટના અંગે ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ હાલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડયા હતા. જોકે, આ બાઈક કયા કારણસર અને કોણે સળગાવી છે તે અંગે તેઓ સંપૂર્ણપણે અજાણ છે. તેમને સ્પષ્ટતા કરી હતી કે કોઈની સાથે તેમની કોઈ જ દુશ્મની કે અદાવત નથી, જેથી આ કૃત્ય પાછળનો હેતુ શું હતો તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આ ગંભીર ઘટના સંદર્ભે ધર્મેશભાઈ પટેલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને સત્વરે તપાસ કરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો