નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરુવાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતે સીધા નાગરિકો સાથે ચર્ચા કરી હતી

નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, હવે પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રવિવારના રોજ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે સંયુક્ત રીતે શહેરના રેલ રાહત કોલોની, ભેંસત ખાડા, કાશીવાડી રિંગ રોડ, મિથિલા નગરી, વિરાવળ અને શાંતાદેવી વિસ્તારની મુલાકાત દીધી હતી ત્યારબાદ જલાલપોર તાલુકાના માણેકપોર અને તવડી ગામની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરી આશ્રયસ્થાનોમાંથી પોતાના ઘરે પરત ફરી રહેલા નાગરિકો સાથે ખુલ્લા મને સંવાદ કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર સમયે પૂરી પાડવામાં આવેલી સુવિધાઓ, ફૂડ પૅકેટ્સ અને રાહત-બચાવ કામગીરી અંગે નાગરિકો પાસેથી પ્રતિસાદ મેળવ્યો હતો

આ વેળાએ તવડી ગામના ગ્રામજનોએ તંત્ર સમક્ષ વિશેષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ગામમાં પાણીના પ્રવેશને રોકવા માટે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવામાં આવે તથા આપત્તિના કટોકટીના સમયે ગામ માટે બોટની કાયમી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કલેકટર મનીષ ગુરવાનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ ચોમાસાની મોસમ દરમિયાન નવસારી જિલ્લાએ ત્રણ-ત્રણ વખત કપરી અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડયો છે, જેના કારણે મોટી સંખ્યામાં પરિવારો બેઘર કે પ્રભાવિત બન્યા હતા. જેમાં 38 હજારથી વધુ અસરગ્રસ્ત કુટુંબોને કેશડોલ (રોકડ સહાય) ચૂકવવામાં આવી છે. તેમજ અંદાજે 30 હજાર જેટલા કુટુંબોને ઘરવખરી સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો