નવસારી : નવસારીના વિરાવળ ગામે પૂર્ણા નદી ઉપર નિર્માણ પામી રહેલા ટાઈડલ ડેમની અધૂરી કામગીરી ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવી છે. ચોમાસામાં થયેલા જમીન ધોવાણનું વળતર અને યોગ્ય પૂરણ ન થાય ત્યાં સુધી કામ અટકાવવાની ગ્રામજનો અને ખેડૂતોએ માંગ કરી હતી. ત્યારબાદ સિંચાઈના ડ્રેનેજ વિભાગ દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડયો છે.
ગત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસેલા મુશળધાર વરસાદ અને પૂર્ણા નદીના ઘોડાપૂરને કારણે વિરાવળના 'રાવરીયા બાપા' વિસ્તાર નજીક નિર્માણાધીન ટાઈડલ ડેમની બાજુમાં મોટું ગાબડું પડયું હતું. આ સ્થિતિમાં ખેડૂતો રાજેશ પટેલ અને સુરેશ પટેલની માલિકીની જમીન તેમજ ગામની ગૌચરની જમીન નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગઈ હતી. પૂર્ણા નદીના વહેણમાં ખેતી અને ગૌચરની જમીનના ધોવાણ બાબતે ખેડૂત અને ગ્રામજનોએ વિરોધ નોંધાવી જવાબદાર કોન્ટ્રાક એજન્સી કેતન કન્સલ્ટન્સી દ્વારા કામમાં કથિત વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી અને વળતરની માંગણી કરી હતી. જોકે આ વિવાદ વચ્ચે ગત સપ્તાહે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ટાઈડલ ડેમની અધૂરી કામગીરી ફરી શરૂ કરવાનો પ્રયાસ કરાતા ગ્રામજનો અને અસરગ્રસ્ત ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને ચોમાસા દરમિયાન ડેમના કારણે થયેલા ધોવાણથી નુકસાન પામેલી જમીનનું યોગ્ય પૂરણ અથવા નિરાકરણ ન થાય ત્યાં સુધી નવી કામગીરી આગળ ન વધારવા દેવાની ગ્રામજનોએ સ્પષ્ટ ના પાડીને કામ બંધ કરાવી દીધું હતું. નવસારી સિંચાઈ (ડ્રેનેજ) વિભાગ તરફ્થી વળતરની પ્રક્રિયા અંગે લેખિત ખાતરી મળ્યા બાદ ગુરુવારથી વિરાવળ ખાતે ટાઈડલ ડેમની અધૂરી કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે.
