નવસારીના સુપા ખાતે આવેલા ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુલમાં વિશ્વ ઓઝોન દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઓઝોન સ્તરના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે તેમની જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. જેમાં શૈક્ષણિક એનિમેશન વિડિયો દ્વારા ઓઝોન સ્તરની ઉપયોગીતા સમજાવવામાં આવી હતી. દૃશ્યાત્મક માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તરનું સ્થાન, તેની રચના અને સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણો સામે તે કેવી રીતે ઢાલ બનીને જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ સાથે જ, ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરોકાર્બન (CFCs)જેવા હાનિકારક રસાયણો વિશે માહિતી આપવામાં આવી હતી. દૈનિક જીવનમાં ઊર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, પ્લાસ્ટિકનો બિનજરૂરી વપરાશ ઘટાડવા, વૃક્ષારોપણ કરવા તેમજ જાહેર પરિવહન અને સાયકલના ઉપયોગ જેવી પર્યાવરણલક્ષી ટેવો અપનાવવા ઉપર ભાર મૂકાયો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા બહાર લાવવા માટે આ પ્રસંગે 'ઓઝોન સ્તરનું રક્ષણ' વિષય પર વિશેગ પોસ્ટર મેકિંગ અને સૂત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો