નવસારી શહેરમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી અને અત્યાર સુધીની સૌથી મોટી ઘટના સામે આવી છે. નવસારી પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત વ્યાપક તપાસ હાથ ધરીને અંદાજે 91 કરોડ રૂપિયાથી વધુ રકમનું મસમોટું સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે શહેરના એરુ વિસ્તારમાં આવેલા એક મકાન પર ઓચિંતી છાપેમારી કરીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ બે મુખ્ય સાગરીતોને રંગેહાથ દબોચી લીધા છે.


10 મ્યુલ એકાઉન્ટ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડનો જથ્થો જપ્ત

પોલીસ દરોડા દરમિયાન ઝડપાયેલા ઇસમો પાસેથી ગુનાહિત સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના 46 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ મળી આવ્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન પોલીસને 10 જેટલા 'મ્યુલ એકાઉન્ટ' (ભાવિ નાણાકીય હેરાફેરી માટે ભાડે રાખેલા ખાતા) મળી આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર આ 10 બેંક ખાતાઓ પર જ દેશભરમાંથી 110 કરતાં વધુ સાયબર ફ્રોડની ફરિયાદો અગાઉથી નોંધાયેલી હતી.

લખવિંદર સિંહ અને આદિત્ય પટેલ થયા જેલ ભેગા

પોલીસે આ આંતરરાજ્ય સાયબર કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ લખવિંદર સિંહ અને આદિત્ય પટેલની કાયદેસરની ધરપકડ કરી લીધી છે. આટલા મોટા પાયે ચાલી રહેલા નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને તેની પાછળ છુપાયેલા અન્ય માસ્ટરમાઇન્ડ્સનો પતો લગાવવા માટે પોલીસે બંને આરોપીઓના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં પોલીસ રિમાન્ડ હેઠળ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે, જેમાં આગામી દિવસોમાં અન્ય મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: