નવસારીમાં તાજેતરમાં હાથ ધરાયેલા રોડ રિસરફેસિંગના કામોની ગુણવત્તા ચકાસવા માટે મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી પોતે મેદાનમાં ઉતર્યા છે. તેમણે અચાનક જ વિવિધ વિસ્તારોમાં રોડ સર્ફેસિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કમિશનર દેવ ચૌધરીએ કરેલી તપાસમાં, રિસરફેસ કરાયેલા રોડની ગુણવત્તા યોગ્ય છે કે નહીં તે જાણવા માટે રોડમાંથી બ્લોક કાઢીને સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી કરાવી હતી. આ ઉપરાંત, ગુણવત્તાની ચોક્કસ ખરાઈ કરવા માટે આ બ્લોક (સેમ્પલ)ને લેબોરેટરી ટેસ્ટ માટે પણ મોકલવામાં આવશે.

બનાવટ સામે તંત્ર સક્રિય

કમિશનર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, લેબ રિપોર્ટમાં જો રોડના બાંધકામની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ખામી જણાશે, તો સંબંધિત કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે. નવસારી મ્યુનિસિપલ કમિશનર દ્વારા અચાનક કરવામાં આવેલી આ ગુણવત્તા તપાસથી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. આ પગલું શહેરીજનોને લાંબા સમય સુધી ટકી રહે તેવા ગુણવત્તાયુક્ત રોડ મળે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.