નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર  વેસ્મા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ઓવરબ્રિજ ઉતરતી વખતે ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો હતો.

હાઈવે પર સામાન વેરવિખેર, ટ્રાફિક જામ

આ અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલો સામાન મુખ્ય હાઈવે પર વેરવિખેર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સૌપ્રથમ ટ્રાફિકને નિયંત્રિત કરવા અને હાઈવેની અવરજવર સામાન્ય બનાવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી

પોલીસ દ્વારા પલટી ગયેલા ટ્રકને હાઈવે પરથી હટાવવા અને વેરવિખેર થઈ ગયેલા સામાનને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને ડ્રાઈવરની હાલત અંગે વધુ તપાસ ચાલી રહી છે. હાઈવે પર મુસાફરી કરી રહેલા લોકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ