દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સોમવારે સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 7.72 ઇંચ ખાબક્યો હતો, જ્યારે વલસાડના પારડીમાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 15 જેટલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને પગલે કેટલાક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

આંકડાકીય વિગતો મુજબ, સોમવારે નવસારીમાં 6.04 ઇંચ, ગણદેવીમાં 6.0 ઇંચ, ખેરગામમાં 4.56 ઇંચ, ચીખલીમાં 1.4 ઇંચ, વલસાડમાં 4.36 ઇંચ, ઉમરગામમાં 2.88 ઇંચ, વાપીમાં 2.60 ઇંચ, ધરમપુરમાં 2.48 ઇંચ, નાનાપોંઢામાં 2.08 ઇંચ, કપરાડામાં 1.36 ઇંચ અને સુરતના મહુવામાં 4.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં 3.36 ઇંચ, ઉમરપાડામાં 2.36 ઇંચ, બારડોલીમાં 2.20 ઇંચ, સુરત શહેરમાં 0.76 ઇંચ અને કામરેજમાં 0.68 ઇંચ વરસાદ પડયો છે. પૂર્ણા નદીની સપાટી 10 ફૂટ, અંબિકાની 12.26 ફૂટ અને જૂજ ડેમની સપાટી 154.70 ફૂટે પહોંચી ગઈ છે. વરસાદના કારણે સુરતનું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહ્યું હતું.બીજી તરફ્, સૌરાષ્ટ્રના 47 તાલુકાઓમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે. જૂનાગઢના ગિરનાર ઉપર સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડયો છે. ગીર સોમનાથના ડોળાસામાં 1 ઇંચ (26 મીમી) તેમજ બગસરા, કુંકાવાવ-વડિયા, અમરેલી અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ અને માળિયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. રાજકોટ શહેરમાં 2 મીમી અને ગ્રામ્ય વિસ્તારો જેવા કે કોટડાસાંગાણી, જસદણ તથા ધોરાજીમાં 4 થી 5 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય મોરબીના માળિયામિયાણા, પોરબંદર અને રાણાવાવમાં 4 મીમી તથા દ્વારકાના ભાણવડમાં 1 મીમી વરસાદ પડયો છે.