નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે હાઈટેન્શન લાઈન માટે સર્વે કરવા પહોંચેલી ટીમને ગ્રામજનોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ જાણ કર્યા વગર સર્વેની કામગીરી હાથ ધરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો, જેને પગલે કામગીરી અટકાવી દેવાની ફરજ પડી હતી.
સુખાબારીમાં ગ્રામજનોએ ટીમને ખદેડી
સુખાબારી ગામમાં આજે સવારે એક ટેકનિકલ ટીમ હાઈટેન્શન વીજ લાઈનનો સર્વે કરવા માટે પહોંચી હતી. જોકે, આ અંગે ગ્રામ પંચાયત કે ગ્રામજનોને કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કરવામાં આવી નહોતી. જેવી ટીમ ગામે પહોંચી કે તરત જ સુખાબારી સહિત આસપાસના કાકડવેલ અને સારવણી ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ટીમને ઘેરી લીધી હતી.
ઉગ્ર બોલાચાલી અને પોલીસની દરમિયાનગીરી
સર્વેની કામગીરીને લઈને ગ્રામજનો અને સર્વે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે વાંસદા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારમાંથી લાઈન પસાર કરવાથી મોટું નુકસાન થઈ શકે છે, તેથી વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ સર્વે કરવા દેવામાં આવશે નહીં.
સર્વે ટીમની પીછેહઠ
ગ્રામજનોના આક્રમક વલણને જોતા સર્વે કરવા આવેલી ટીમે કામગીરી સ્થગિત કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં અવારનવાર હાઈટેન્શન લાઈનો અને ભારતમાલા પ્રોજેક્ટના સર્વે સામે ખેડૂતો અને આદિવાસી સમાજનો વિરોધ જોવા મળતો હોય છે, ત્યારે વાંસદામાં પણ ફરી એકવાર આ મુદ્દે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો: Kadi: વાહન અકસ્માતની અદાવતમાં મહિલા પર છરી વડે જીવલેણ હુમલો; અણમોલ વિલામાં મધરાતે હંગામો