ઓલપાડ પોલીસે અસનાડ ગામની સીમના ફાર્મમાં રમાતા જુગારધામ ઉપર ત્રાટકી કુલ 6 જુગારીઓને દબોચી લીધા હતા. રેડ દરમિયાન ભાગી છૂટનાર 1 મહિલા જુગારી સહિત કુલ 10 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી ચાર કાર મળી કુલ રૂ.46.70 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
ઓલપાડ પોલીસ મથકની ટીમ ગત મંગળવાર, તા. 02ના રોજ સાંજે તાલુકાના ઉત્તર દિશાના કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, અસનાડ ગામની સીમમાં કમરોલી જતા રોડ ઉપર આવેલા 'બ્લોક નં.185/બ' વાળા નવલ કંથારીયાના ફાર્મમાં સુરત શહેરનાં કેટલાક ઈસમો ગંજીપાનાથી જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે ત્યાં સાંજે-5:20 કલાકે રેડ કરી છ શખ્સોને જુગાર રમતાં પકડી લીધા હતા. જ્યાં પોલીસને ચકમો આપી કુલ 10 જુગારી ભાગી છૂટયા હતો, જેમાં એક મહિલા પણ હતી. પોલીસે આરોપીઓની અંગઝડતીમાં રોકડા રૂ. 33,700, દાવ પર લગાવેલા રોકડા રૂ. 16,300 મળી કુલ રોકડા રૂ. 50,000 તથા 6 મોબાઇલ ફોન કિંમત રૂ. 1,20,500, અલગ-અલગ કંપનીની 4 ફોરવ્હીલ કાર કિંમત રૂ. 45 લાખ, ત્રણ બાઈક કિંમત રૂ. 1.30 લાખ મળી કુલ રૂપિય 46,70,500ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં પોલીસે 10 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા 6 જુગારીઓ સહિત કુલ 16 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પકડાયેલા જુગારીઓમાં ચાર સુરત શહેરના અને 2 બારડોલી તાલુકાના છે. પૈકી સુરત શહેરનો ઓમાન ઇસ્માઇલ બાવાની (ઉં.વ. 39, રહે. 4/107, તુલસી ફળિયું, મોહમંદ યાસર કુતબુદીન (ઉં.વ.35, રહે. 7/1990, બી-મસાલ ચિવાડ, હોડી બંગલા નજીક, રામપુરા), મોહમંદ સાજીદ અબ્દુલ રજાક મોટીયાણી (ઉં.વ.33, રહે. 7/1645, સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન, કામદાર આવાસની પાછળ) તથા લક્ષ્મણ મનોજ આર્યા (ઉં.વ.25, રહે. 110, સફ બિલ્ડિંગ, સગરામપુરા) તેમજ બારડોલી તાલુકાના મોટી ફરોડ ગામે પટેલ ફળિયામાં રહેતા મિતેશ મુકેશભાઇ પટેલ (ઉં.વ. 38) તથા રમણ ભીખા પરમાર (ઉં.વ. 65)ને દબોચી લીધો હતો.










