સુરતમાં વસતા પરપ્રાંતીય અને અન્ય જિલ્લાના શ્રમિકો તેમજ રત્નકલાકારો માટે હોળી-ધૂળેટીનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવાર ઉજવવા માટે મુસાફરોની વતન જવાની દોટને પગલે સુરત એસ.ટી. (ST) વિભાગને મોટી આર્થિક સફળતા મળી છે. ખાસ કરીને છેલ્લા બે દિવસમાં એસ.ટી. નિગમની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ST વિભાગને બે દિવસમાં ₹43 લાખની આવક
મળતી માહિતી મુજબ, છેલ્લા બે દિવસમાં જ 12,364 મુસાફરો એસ.ટી. બસો દ્વારા સુરતથી પોતાના વતન પહોંચ્યા છે. આ બે દિવસની મુસાફરીને કારણે સુરત એસ.ટી. વિભાગને કુલ ₹43,12,243 ની માતબર આવક થઈ છે. બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને જોતા વધારાની બસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અઠવાડિયાનો આંકડો ₹85 લાખને પાર
માત્ર બે દિવસ જ નહીં, પરંતુ છેલ્લા એક અઠવાડિયાના આંકડા જોઈએ તો સુરત એસ.ટી. વિભાગ માટે આ 'બમ્પર આવક' સાબિત થઈ છે. એક સપ્તાહમાં કુલ 24,310 પેસેન્જરો મુસાફરી કરી ચૂક્યા છે, જેનાથી નિગમને અત્યાર સુધીમાં કુલ ₹85,25,039 ની આવક થઈ છે.
વધારાની બસોનું સંચાલન
હોળીના પર્વે દાહોદ, ગોધરા, પંચમહાલ અને સૌરાષ્ટ્ર તરફ જનારા મુસાફરોની સંખ્યા વધુ હોવાથી એસ.ટી. નિગમે એક્સ્ટ્રા બસો દોડાવી હતી. મુસાફરોને હાલાકી ન પડે અને તેઓ સુરક્ષિત રીતે વતન પહોંચી શકે તે માટે એસ.ટી. પ્રશાસન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: Surat: AMNS તોડફોડ કાંડ બાદ પોલીસનો માનવીય અભિગમ, કામદારોને અનાજની કીટ વહેંચી જીત્યા દિલ