પાદરાવાસીઓને મનોરંજનની અનોખી ભેટ આપવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય ક્લીન પાદરા કાર્નિવલ-2026નો અંબાજી તળાવ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે રીબીન કાપી કાર્નિવલને ખુલ્લો મૂકાયો હતો. કાર્નિવલના પ્રારંભ સાથે જ અંબાજી તળાવ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠતાં નગરજનો કાર્નિવલનો આનંદ માણવા ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે આશરે દસ વર્ષ પૂર્વે રૂા. 3.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અંબાજી તળાવને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યકાળ દરમિયાન આકર્ષક રોશનીથી શણગારાયું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્નિવલમાં દરરોજ રાત્રે 7થી 11 વાગ્યા દરમિયાન ઓર્કેસ્ટ્રા, લાઈવ શો, મેજિક શો, ગ્રાન્ડ કઠપૂતળી ડાન્સ, ગેમ્સ સહિતના વિવિધ મનોરંજક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત બાળકો માટે ગેમિંગ પ્રવૃત્તિ, વિવિધ રાઈડ્સ, ફૂડ સ્ટોલ, સેલ્ફી ઝોન, રંગોળી પ્રદર્શન અને આકર્ષક લાઈટ શોનું આયોજન કરાયું છે. જેના શુભારંભ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, ઉપપ્રમુખ ઇલાબેન જોશી, કારોબારી ચેરમેન સંતોષ પટેલ, પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી, ઉદ્યોગપતિ હિતેશ પટેલ (મારુતિ સિરામિક) સહિત પાલિકાના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
