પાદરાના વતની અને વડોદરા સ્થિત મનોજ પટેલ ડિઝાઇન સ્ટુડિયોના પ્રિન્સિપલ આર્કિટેક્ટ મનોજ રમેશભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વના પ્રતિષ્ઠિત સ્થાપત્ય મહોત્સવ વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ-2026માં તેના પ્રોજેક્ટની ફાઇનલિસ્ટ તરીકે પસંદગી થતાં પાદરાનું ગૌરવ વધ્યું છે. વિશ્વના સૌથી મોટા લાઇવ જ્યુરી આધારિત સ્થાપત્ય પુરસ્કાર મહોત્સવ તરીકે જાણીતા આ ફેસ્ટિવલમાં વર્ષ 2026 દરમિયાન વિશ્વભરમાંથી કુલ 416 પ્રોજેક્ટ્સને ફાઇનલિસ્ટ તરીકે સ્થાન મળ્યું હતું. આ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે 37 દેશોના 164 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો જ્યુરી સભ્યો તરીકે જોડાયા હતા.અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ફોર્ટ લોડરડેલ શહેરમાં તા. 18થી 20 નવેમ્બર દરમિયાન યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં મનોજ પટેલે વડોદરા નજીક નિર્મિત પોતાના સેલ્ફ્-સસ્ટેનિંગ ફાર્મહાઉસ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય જ્યુરી સમક્ષ રજૂઆત કરી હતી. આ પ્રોજેક્ટમાં પરંપરાગત સ્થાપત્યકળા અને આધુનિક પર્યાવરણલક્ષી અભિગમનો સુંદર સમન્વય જોવા મળે છે. ગુજરાતની પરંપરાગત સ્થાપત્યશૈલી, ઇંટોના નવીન પ્રયોગો, બાંધકામ સામગ્રીનો પુનઃઉપયોગ તેમજ સ્થાનિક આબોહવાને અનુરૂપ પર્યાવરણલક્ષી ડિઝાઇન આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો