પાદરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક પર સંકટ ઊભું થયું હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક પાક સહાય આપવાની માંગ સાથે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી.

વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારની આગેવાનીમાં યોજાયેલી આ ટ્રેક્ટર રેલીમાં પાદરા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મુવાલથી શરૂ થયેલી રેલી વડુ, મહુવડ સહિતના રૂટ પરથી પસાર થઈ પાદરા નગરમાં પહોંચી હતી.

રાજ્યમાં પૂરતો વરસાદ ન પડવાના કારણે વરસાદ આધારિત વાવેતર કરાયેલા પાકો નષ્ટ થવાની આરે હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખેડૂતોની કફોડી સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર તાત્કાલિક પાક સહાય જાહેર કરે તેવી માંગ કરવામાં આવી હતી.

ટ્રેક્ટર રેલી પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા બાદ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

કોંગ્રેસ દ્વારા પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઉપરાંત ખેડૂતોને આર્થિક પાક સહાય આપવી, ખેડૂતોને 16 કલાક વીજ પુરવઠો આપવો તથા નર્મદા નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી.

આ રેલીમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પઢીયાર, પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક પટેલ, શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર સહિત તાલુકાના કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

જશપાલસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા પાદરા તાલુકાના ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર તાત્કાલિક પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પાક સહાય આપે, 16 કલાક વીજળી પૂરી પાડે અને નર્મદા નહેરમાં પાણી છોડે. ખેડૂતોની હાલતને ધ્યાનમાં રાખી સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી અમારી માંગ છે. જેને પગલે નગર સહિત તાલુકામાં ઉત્તેજના વ્યાપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો