પાદરા-જંબુસર હાઇવે પર આંબાવાડી સોસાયટી નજીક વરસાદી કાંસ પાસે આઇસર ટેમ્પો પાર્ક કરવા જતાં કાંસનો ઉપરનો ભાગ તૂટી પડતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લામાંથી તમાકુ ભરીને એક આઇસર ટેમ્પો પાદરા આવ્યો હતો. દરમિયાન આંબાવાડી સોસાયટી નજીક હાઇવેની સાઇડમાં ટેમ્પો પાર્ક કરવા જતાં ટેમ્પાનાં બંને પૈડાં વરસાદી કાંસના ઉપરના ભાગ પર આવ્યાં હતાં. આ દરમિયાન કાંસનો ભાગ અચાનક તૂટી પડતાં ટેમ્પો અસંતુલિત થઈ પલટી મારી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ વરસાદી કાંસનું ટૂંકા સમય પહેલાં જ આર એન્ડ બી વિભાગ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તેમ છતાં કાંસનો ભાગ તૂટી પડતાં બાંધકામની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે. નવીન બનેલી કાંસ આટલા ટૂંકા ગાળામાં કેવી રીતે તૂટી પડી તે અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.