પાદરા તાલુકાના સાપલા ગામે આવેલી મા ભગવતી ગૌ-શાળાના 19મા પાટોત્સવ નિમિત્તે ત્રિદિનાત્મક પ્રજ્ઞાપુરાણ કથા સત્સંગનો ભવ્ય પ્રારંભ કરાયો હતો. આ અવસરે મુગટરામ મહારાજની ભૂમિ સાપલાથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શોભાયાત્રા નીકળી, જે ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સંચાલિત મા ભગવતી ગૌ-શાળા ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. ગૌ-શાળા પ્રાંગણે રંજનબેન ઉપાધ્યાય સહિતની બહેનોએ મશાલ, કળશ, પોથી સાથે આવનાર બહેનોનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને આરતી દ્વારા આત્મીય સ્વાગત કરી મંગળ પ્રવેશ કરાવ્યો. શોભાયાત્રામાં ગાયત્રી પરિવાર બહેનો, સાંપલા ગામ મહિલા મંડળ સહિત મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
વ્યાસપીઠ પરથી દેવકન્યા દીકરી કુમારી કીર્તિદેવી રાઠવાએ પોતાની અમૃતવાણીથી પ્રજ્ઞાપુરાણ કથાનો આરંભ કર્યો હતો. કથા પ્રારંભે શ્લોકોચ્ચાર, દીપ પ્રાગટય, સ્વાગત-સન્માન, પોથી પૂજન, ગાયત્રી મંત્ર પાઠ અને ગણેશ સ્તુતિ સાથે નાની બાળાઓએ સંગીતમય સથવારો આપ્યો હતો. કુમારી કીર્તિદેવી રાઠવાએ પ્રજ્ઞાપુરાણનો અર્થ અને તેની રચના વિશે જણાવ્યું કે, પ્રજ્ઞા એટલે સદબુદ્ધિ, જે મા ગાયત્રીના જાપથી જાગૃત થાય છે. 4 સરોવર અને 7 પગથિયાની ઉપમા સાથે જનકલ્યાણમાં જોડાયેલો માનવી ભવસાગર તરી જાય છે તેમ સમજાવ્યું હતું. ગૌમાતાને માતા સમાન ગણાવી તેમણે ગૌમાતાના શરીરમાં 32 કરોડ દેવી-દેવતાઓના વાસની માન્યતા અંગે પણ ઉલ્લેખ કર્યો. સાથે જ ગાયત્રી પરિવાર સાથે સાંપલામાં ગૌશાળાની સ્થાપના કરનાર સૌને અભિનંદન પાઠવી, સમાજનું હિત કરવાથી સૌનું અને આપણું પણ હિત થાય છે.










