રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાદરા નગરના પશ્ચિમ મંડળની ગાયત્રી વસતી અને સાંઈ વસતીનો વિજયાદશમી ઉત્સવ આજરોજ સ્ટેશન રોડ સ્થિત સયાજીબાગ ખાતે મૃત્યુંજય શાખામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૂના-નવા સ્વયંસેવકો તેમજ સંઘવિચાર સાથે જોડાયેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ઉત્સવમાં ડૉ. સંદીપ ખૂટ અને વેપારી વિજય પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય વક્તા તરીકે વડોદરા વિભાગના વ્યવસ્થા પ્રમુખ ઋષિરાજ વ્યાસ તથા જિલ્લા સદભાવના પ્રમુખ જીગર પંડયા ઉપસ્થિત રહ્યાં હતા. નગર અને તાલુકાના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમની વ્યવસ્થાઓ સંભાળાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વયંસેવકો દ્વારા શારીરિક વ્યાયામ અને યોગનું પ્રદર્શન કરાયું હતું. ત્યારબાદ અમૃત વચન, વ્યક્તિગત ગીત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય વક્તા ઋષિરાજ વ્યાસે જણાવ્યું હતું કે, માનવીની આંતરિક અને બાહ્યશક્તિઓનો વિકાસ યોગ દ્વારા થાય છે. જે વ્યક્તિને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ બને છે. આ શક્તિઓનો ઉપયોગ દેશ, ધર્મ અને સંસ્કૃતિની સેવા માટે થાય ત્યારે તે શક્તિનો સાચો સદ્ઉપયોગ ગણાય છે. માત્ર જિમમાં કસરત કરીને કે સિક્સ પેક બનાવીને શારીરિક શક્તિ કેળવવી એ જ શક્તિની સંપૂર્ણ વ્યાખ્યા નથી. પરંતુ આંતરિક શક્તિ અને સંસ્કારોનું ઘડતર પણ એટલું જ મહત્ત્વનું છે. અંતે પરંપરાગત શસ્ત્રપૂજન કરાયું હતું.
