પાદરા તાલુકાના ઉમરાયા ગામે ગતરાત્રે બાઈક અકસ્માતની સામાન્ય ઘટનાએં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગામના નવા સરપંચ અને પૂર્વ સરપંચના જૂથો વચ્ચે જોરદાર મારામારી સર્જાઈ હતી. બનાવમાં બંને પક્ષના 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં હાલના સરપંચ અને પૂર્વ સરપંચનો પણ સમાવેશ થાય છે.
માહિતી મુજબ, ઉમરાયા ગામના હાલના સરપંચ અર્જુનસિંહ મંગળસિંહ પઢિયાર અને પૂર્વ સરપંચ ભુપેન્દ્ર પુંજા સિંધાના સમર્થકો વચ્ચે બાઈક અકસ્માતની બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં વાત એટલી વણસી ગઈ કે બંને જૂથો ખુલ્લેઆમ સામસામે આવી ગયા હતા. અને ગામમાં ભારે તંગદિલી છવાઈ ગઈ હતી. મારામારી દરમિયાન બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ કાફ્લો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવને પગલે બંને પક્ષે સામસામે ફ્રિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે રાયોટિંગ કરનારાઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરાયા ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણી સમયથી નાના-મોટા વિવાદો સપાટી પર આવતા રહેતાં હોવાની પણ ચર્ચા જોરમાં છે.
ઉમરાયા ગામે બે બાઈક અથડાયા બાદ મારામારીના બનાવમાં પૂર્વ સરપંચ સહિત 13 સામે ફરિયાદ નોધાઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે સાંજે આશરે 6 વાગ્યાના સુમારે ઉમરાયા ગામે ભદ્રસિંહ બચુ સિંધાના ખેતરના વળાંક પર ધવલની સ્પ્લેન્ડર મોટરસાઇકલ અને માજી સરપંચ ભુપેન્દ્રસિંહ સિંધાની બુલેટ મોટરસાઇકલ વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ બોલાચાલી વધીને મામલો હાથાપાઈ સુધી પહોંચી હતી. જે બાદ ભુપેન્દ્રસિંહ સિંધાએ ધવલને પકડી રાખ્યો હતો. ત્યારબાદ ભારતસિંહ ગુલાબસિંહ સિંધા, રણજીતસિંહ ગુલાબસિંહ સિંધા તથા હિતેશ ભરતસિંહ સિંધાએ મારામારી કરી હતી. ધવલને છોડાવવા વચ્ચે પડેલા હાલના ઉમરાયા ગ્રામ પંચાયતના સરપંચ અર્જુનસિંહ મંગળસિંહ પઢિયાર પર પણ હુમલો થયો હોવાનો આક્ષેપ છે. ફ્રિયાદમાં વધુમાં જણાવાયું છે કે, ત્યારબાદ સુરસંગ પુજા સિંધા, લક્ષ્મીબેન રણજીતસિંહ સિંધા, મહેશ બુધા પઢિયાર, મુકેશ ઉર્ફે મુન્નો ગુલાબસિંહ સિંધા, નારસંગ ગેમલસિંહ સિંધા, સતિષ પ્રવિણ સિંધા, રાજુ મોહન પઢિયાર, કપિલાબેન રાજુ પઢિયાર તથા દિલીપસિંહ બુધા પઢિયાર સહિતના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. તેઓએ ગાળો બોલી ધક્કામુક્કી અને મારામારી કરી હતી.
દરમિયાન પાવડાના ફ્ટકાથી ચંદુભાઈ પઢિયારને માથાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી, જ્યારે લાકડીના ફ્ટકાથી ફ્રિયાદીના હાથની ત્રીજી આંગળીમાં ઇજા પહોંચી હતી. તેમજ ભુપેન્દ્રસિંહ સિંધાએ ફ્રિયાદીના નાકના ભાગે ઇજા પહોંચાડયાનો પણ આક્ષેપ કરાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam