પાલનપુરમાં લાંબા સમય બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર-જગાણા માર્ગના રીનોવેશન અને પહોળીકરણની કામગીરીમાં અવરોધરૂપ બનતા વર્ષો જૂના 15 જેટલા પાકા દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી
માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ જ્યારે જેસીબી મશીન સાથે દબાણ હટાવવા પહોંચ્યા ત્યારે સ્થાનિક દબાણદારોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મામલો બિચકતા અને અધિકારીઓ સાથે ઘર્ષણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને ફરીથી દબાણ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.










