ગુજરાત સરકાર અને ટ્રાન્સપોર્ટ વિભાગની રેટ કમિટી દ્વારા સી.એન.જી.ના ભાવવધારાને ધ્યાને રાખી રીક્ષાના લઘુત્તમ ભાડામાં કરાયેલા વધારાના અમલીકરણ તથા રીક્ષા ચાલકો વચ્ચે અરાજકતા અને ભયનું વાતાવરણ ઉભુ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે બનાસકાંઠા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોની ઉપસ્થિતિમાં બનાસકાંઠા કલેકટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદ એમ. મકરાણી અને અન્ય હોદ્દેદારોની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો એકત્રિત થયા હતા અને બનાસકાંઠા કલેકટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સતત વધતી મોંઘવારી અને સી.એન.જી. ગેસના ભાવ વધારાને ધ્યાને રાખી ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ગુજરાત આટોરીક્ષા ફેડરેશનની સંમતિથી ઓટો રીક્ષાનું લઘુત્તમ ભાડું રૂા.25 નક્કી કરવામાં આવ્યું છે. આ પરિપત્રના આધારે બનાસકાંઠા જિલ્લા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા પણ તા.19/09/2026 ના રોજથી ભાડા વધારાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ કેટલાક ઈસમો પોતાને રીક્ષા એસોસિએશનના આગેવાનો ગણાવીને ગામડાઓમાંથી પાલનપુર શહેરમાં રીક્ષા ચલાવવા આવતા ગરીબ ચાલકોને રોકી રહ્યા છે. તેઓ જાતિ, પ્રાંત અને વિસ્તારના નામે ભેદભાવ ઉભો કરી રીક્ષા ચાલકોમાં અરાજકતા અને અશાંતિ ફેલાવી રહ્યા છે. સંઘર્ષ સમિતિએ આક્ષેપ કર્યો છે કે આવા ઈસમો ગેરકાયદેસર રીતે નિર્દોષ રીક્ષા ચાલકોની રોજીરોટી મેળવવાનો અધિકાર છીનવી રહ્યા છે. આથી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકશાહી દેશમાં દરેક નાગરિક શાંતિથી પોતાની રોજીરોટી કમાઈ શકે અને રીક્ષા ચાલકો વચ્ચે કોઈ મનભેદ કે વાવ-વિવાદ ન સર્જાય.
