ગત તા.20/06/2026 ના રોજ વડગામ તાલુકાના પેપોળ ગામના રહેવાસી મફાજી ભીખાજી સોલંકી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. આ દરમ્યાન હોસ્પિટલ પરિસરમાં તેમને બે અજાણ્યા ઈસમો મળ્યા હતા. આ ઈસમોએ મફાજીને જણાવ્યું હતું. કે તેઓને ખોદકામ કરતી વખતે સોનું મળેલું છે પરંતુ તેનું બિલ ન હોવાથી તેઓે બજારમાં વેચી શકતા નથી. ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે બીજા દિવસે આ ઠગોએ સોનાનો ઢોળ ચડાવેલા બે અસલી સોનાના મણકા આપ્યા હતા. મફાજીએ સોની પાસે આ પારા તપાસ કરાવતા તે અસલી નીકળ્યા હતા. જેથી તેઓ આ અજાણ્યા ઈસમોની જાળમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ મફાજીએ પોતાની બચતના રોકડા રૂ.2.20 લાખ આપીને બદલામાં આ ઈસમો પાસેથી સોનેરી કલરનો મણકાનો હાર ખરીદી લીધો હતો. જોકે આ હાર લઈને જ્યારે તેઓ સોનીની દુકાને ગયા અને તપાસ કરાવી ત્યારે તે સોનું નહિં પણ પિત્તળની ધાતુ નીકળી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ મફાજીએ તાત્કાલિક પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ આજુબાજુના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. પોલીસે બંને આરોપીઓ લાલા રામાભાઈ સલાટ અને રતન તુલશીભાઈ સલાટ રહે.ખોડીયાનગર, મોચીવાસ, પાલનપુરવાળાને ઝડપી પાડી કડક પુછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈથી મેળવેલા રોકડા રૂ.2.20 લાખની રકમ પુરેપુરા રિકવર કરી લીધા છે.
