પાલનપુર શહેરમાં આવેલું ઐતિહાસિક રામજી મંદિરનો જીણોદ્વાર કરવામાં આવી રહ્યો છે અને મંદિરના જૂનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો છે અને તેનો મલબો માનસરોવર તળાવ પાસે ખુલ્લામાં ફેંકવામાં આવ્યો છે. જ્યાં કોઈકને અરબી ભાષામાં લખેલા ચાંદીના સિક્કા મળતા વાતોવાતથી શહેરમાં વાત પ્રસરી જતા ઐતિહાસિક સિક્કા મેળવવા માટે અહિં લોકોના ટોળું એકઠું થયું હતું અને મલબામાં શોધખોળ શરૂ થઈ હતી. પાલનપુરમાં માનસરોવર તળાવ પાસે મલબામાંથી ચાંદીના સિક્કા હાથ લાગી રહ્યા છે તેવી વાત શહેરમાં પ્રસરી જતાં મલબાને તોડફોડ કરી અને તેમાંથી ચાંદીના સિક્કા કાઢવા માટે લોકોનું ટોળું ત્યાં એકઠું થયું હતું અને તેમાં મહિલાઓ અને બાળકો પણ દોડી આવ્યા હતા. જે અંગે સુત્રોના જણાવ્યા અનુસાર આ સ્થળે રામજી મંદિરનો મલબો નાખવામાં આવ્યો છે તેની દિવાલોમાં જુના સમયમાં જે ચાંદીના સિક્કા મુકવામાં આવતા હતા તે સિક્કા હોઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે. આ સિક્કા પર અરબી ભાષામાં તેની તવારીખ દર્શાવવામાં આવેલી છે. જેમાં તેની કિંમત અને સાલ અને તે કોણે બનાવ્યા તેની છબી હોવાનું જાણકારોનું કહેવું છે. જો કે આ સિક્કા ચાંદીના છે કે કેમ તે અંગે ચોક્કસ ખરાઈ કરવામાં આવી નથી પરંતુ અગાઉ જૂના સમયમાં તાંબા, પિત્તળ અને ચાંદી અને સોનાના સિક્કાનું ચલણ હતું. તેના પરથી આ સિક્કાને ચાંદીના માનવામાં આવી રહ્યા છે. ઉપરોકત સિક્કા પર જે છાપ છે તેના પરથી તેની વધુ વિગતો જાણકારો દ્વારા મળી શકે તેમ છે. ત્યારે આ બાબતે હવે પુરાતત્વ વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તેવી સંભાવના છે. ગઈ રાતથી આ સિક્કા શોધવા માટે લોકોનું ટોળું એકત્ર થયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો